Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

આમરણ ચોવિસીના ધૂળકોટથી કોયલી સુધી ૬ કિ.મી. રોડની બદતર હાલત

(મહેશ પંડયા દ્વારા) આમરણ, તા. ૩ :. આમરણ ચોવીસી પંથકના ધુળકોટથી કોયલી સુધીનો ૬ કિ.મી. ગ્રામ્ય માર્ગ બદતર હાલતમાં ફેરવાઈ ગયો છે. એક વર્ષ પહેલા ગત ચોમાસામાં ભારે પૂરને કારણે ડામર માર્ગ તથા નાલા-પૂલીયાનું મોટાપાયે ધોવાણ થયુ હતુ, પરંતુ આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ મરામત કાર્ય્ર હાથ નહિ ધરાતા પ્રજા હાડમારીનો સામનો કરી રહી છે.

ધુળકોટ-કોયલી માર્ગ પર ઠેર ઠરે જગ્યાએ મસમોટા ખાડાઓ અને ગાબડા પડી ગયા છે. ડામરનું નામોનિશાન રહ્યુ નથી. આ માર્ગ પરના નાલા-પૂલીયા તૂટીને વિખરાઈ ગયા છે. તેમજ માટી અને ઝાડી-ઝાખરાથી ભરાઈ ગયા હોવાથી ચોમાસા પાણીના નિકાલની વ્યવસ્થા સદંતર બંધ થઈ ચૂકી છે. અમુક જગ્યાએ સિમેન્ટના મોટા પાઈપ રફેદફે થઈ ગયા છે. રોડની બન્ને બાજુના ગાંડા બાવળના ઝૂંડોએ રસ્તા પર પ્રસરી જઈ પોતાનુ સામ્રાજ્ય સ્થાપી દીધુ હોવાથી રસ્તો શોધ્યો મળે નહિ તેવી અવદશા જોવા મળી રહી છે.

આ માર્ગ પર વચ્ચે પુરાણી બાણગંગાની પ્રસિદ્ધ જગ્યા પણ આવેલી છે. જંગલમાં મંગલ સમી આ જગ્યાએ આખુ વર્ષ કાયમી હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે અવરજવર કરી રહ્યા છે. આ માર્ગ પરથી મોટા વાહનો મહામુસીબતે પસાર થઈ શકે છે. વાહન ચાલકો માટે શિરદર્દ બની ગયેલ આ માર્ગ પરત્વે સત્તાધારી પક્ષના આગેવાનો મૌન ધારણ કરીને બેઠા છે. વિરોધ પક્ષની રજૂઆતને તંત્ર ધ્યાને લેતુ નથી. આ સ્થિતિમાં પ્રજાની હાલત દયનીય બની જવા પામી છે.

શહેરી માર્ગોના વિકાસની સાથે ગ્રામ્ય માર્ગોની બદતર હાલત તરફ પણ સરકાર ચિંતિત બને તે એટલુ જ જરૂરી છે. તેવી લોક માંગણી ઉઠવા પામી છે. મોરબી જિલ્લા પંચાયત માર્ગ બાંધકામ હસ્તકનો ઉપરોકત માર્ગ તાકીદે મરામત કરવા માંગણી થઈ છે.

(12:10 pm IST)