Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ગુજરાતનું રાજયપક્ષી સુરખાબ ભાવનગરને આંગણે...

અલભ્ય પક્ષીના ભાવનગરના આંગણે દર્શન થતાં પ્રકૃતિવિદો અને પક્ષીવિદોમાં આનંદની લાગણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩ : સુરખાબ ગુજરાતનું રાજયપક્ષી છે.જેને સ્થાનિક ભાષામાં બળા કે હંસના નામે પણ ઓળખવામાં આવે છે. આ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજયના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે.ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. એક નાના સુરખાબ અને બીજા મોટા સુરખાબ કે હંસ.

વરસાદની ખેંચાયેલી સ્થિતિમાં ભાવનગરના એરપોર્ટ રોડ કે બંદર વિસ્તાર તરીકે ઓળખાતા ખાર વિસ્તારમાં અત્યારે પાણીના ખાડા- ખાબોચિયા ભરાયેલાં છે. જે સુરખાબના રહેણાંક અને માળો બનાવવાં માટે ખૂબ અનુકૂળ હોય છે. તેથી ભાવનગરના ખાર વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં સુરખાબ જોવાં મળી રહ્યાં છે.

તેની ગરદન ડ આકારની તથા પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. તેઓ સમૂહમાં કાદવથી માળાઓ બનાવે છે. મોટા સુરખાબની ઉંચાઈ ૧૩૫ સેમી. સુધીની હોય છે ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનું શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે તેવું હોય છે.

આખું શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ડાઘ, ઉડે ત્યારે પાંખો ગુલાબી અને કાળા રંગની આંખો તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. કદમાં નર-માદા સરખાં જોવાં મળે છે. નાનો હંસ લગભગ ૯૦ થી ૧૦૫ સેમી. ઉંચાઈ ધરાવે છે. તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.

મોટા હંસના પ્રમાણમાં નાના હંજની ડોક ટૂંકી અને થોડી જાડી હોય છે. તેના પગ પણ મોટા હંજ કરતા ટૂંકા હોય છે. ચાંચ દ્યેરી, ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા દેખાવમાં સરખાં જણાય છે. સુરખાબ તેમનાં રહેઠાણો મોટા તળાવો, દરિયાકિનારાના કાદવ કે પાણીવાળાં વિસ્તારોમાં જોવાં મળે છે.

ભાવનગરનો ખાર વિસ્તાર આવી જ આબોહવા અને ભૂસ્તરીય રચના ધરાવતો હોવાથી અહીં આ બંન્ને પ્રકારના એટલે કે નાના સુરખાબ અને મોટા સુરખાબ હાલમાં જોવાં મળી રહ્યાં છે. આ પ્રકારના અલભ્ય પક્ષીઓ ભાવનગરના આંગણે જોઈને ભાવનગરના પ્રકૃતિવિદો અને પક્ષીવિદોમાં આનંદની લાગણી છવાઇ છે.

(12:10 pm IST)