Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રવિવારે છોટે જલારામ પૂ. હરીરામબાપાનો ૮૮મો પ્રાગટય દિન ઉજવાશે

જસદણના પૂ. જલારામ બાપા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો : રામાયણ મંડળ દ્વારા અખંડ રામચરિત માનસ ગાન : અસ્થિકુંભનું પૂજન

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૩ : જસદણના છોટે જલારામ કહેવાતા પૂ. શ્રી હરીરામબાપાનો ૮૮મો પ્રાગટય દિને આગામી રવિવારે તા. ૫ના રોજ જસદણ ખાતે પૂ. બાપાના સેવકો દ્વારા ધાર્મિક કાર્યક્રમો દ્વારા જસદણ જલારામ મંદિર ખાતે ઉજવવામાં આવશે.

જસદણ પટેલ સ્ટ્રીટ ખાતે આવેલા રી જલારામ મંદિરે સવારે પૂ. હરીરામબાપા રોજ કરતા તે પ્રાર્થનાથી પ્રારંભ થશે. ત્યારબાદ ૧૨ કલાક અખંડ રામધૂનનો સવારે સાત વાગ્યે પ્રારંભ થશે અને સાંજે સાત વાગ્યે પૂર્ણાહુતિ થશે. દિવસ દરમિયાન રામાયણ મંડળ દ્વારા અખંડ રામ ચરિત માનસનું ગાન થશે.

જલારામ મંદિર ખાતે જ પધરાવવામાં આવેલા પૂ. હરીબાપાના અસ્થિ કુંભ સ્થળે સવારે આઠ વાગ્યે પૂજન કરવામાં આવશે બાદ બપોરે અને સાંજે મહાપ્રસાદનું પણ આયોજન પૂ. બાપાના સેવકો દ્વારા કરવામાં આવ્યું છે રાત્રે નવ કલાકે હનુમાન ચાલીસા મંડળ દ્વારા સમુહ હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભજન અને ભોજનને જીવન મંત્ર બનાવનાર પૂ.શ્રી હરીરામબાપા નાનપણથી જ ભકિતના રંગે રંગાય ગયા હતા. નાનપણમાં નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે લોહાણા સમાજના ઘરે-ઘરેથી ભોજન લઇ સાયકલ લઇ ભુખ્યાઓને ભોજન કરાવવા નિકળી પડતા હતા.

પૂ. હરીરામબાપાની દરિદ્રનારાયણ પ્રત્યેની સેવાની નોંધ લઇ નાગપુરના લક્કડગંજ વિસ્તારમાં લોહાણા સમાજે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાવી પૂ. બાપાની સેવાઓને બળ પુરૃં પાડયું હતું. પૂ. બાપાના જન્મ સ્થળ જસદણ ખાતે પણ જલારામ મંદિરે પૂ. બાપાના સેવકો દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અને અખંડ રામ-ધૂન પણ છેલ્લા ૩૦ વર્ષથી વધુ સમયથી ચાલે છે.

પૂ. જલારામબાપાના ધર્મપત્ની શ્રી વિરબાઇમાંના જન્મ સ્થળ આટકોટ ખાતે પણ પૂ. હરીરામબાપા દ્વારા અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે. આ ત્રણેય અન્નક્ષેત્રમાં બપોરે અને સાંજે દરીદ્રનારાયણ પ્રસાદ લે છે.

પૂ. હરીરામબાપાની હયાતી સમયે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પૂ. બાપા પ્રસિધ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ જ રહેતા હોય ત્યાં જ શ્રાવણ સુદ-૧૩ના રોજ પ્રાગટય દિન ઉજવવામાં આવતો હતો પરંતુ પૂ. બાપા હવે શરીર રૂપી ન હોય જસદણ, નાગપુર અને આટકોટ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખી પૂ. બાપાના સેવકો પ્રાગટય દિન ઉજવે છે.

આ કાર્યક્રમનો લાભ લેવા પૂ. હરીબાપાના સેવક વર્ગ અને જસદણ જલારામ મંદિર દ્વારા જણાવવામાં આવ્યુ઼ છે.

(12:09 pm IST)