Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

પર્યુષણ પર્વ અંતર્ગત ઝાલાવાડના દેરાસરો - ઉપાશ્રયોમાં તીર્થંકર દેવોને આંગી - વ્યાખ્યાન - પ્રતિક્રમણ કાર્યક્રમો

આઠ દિવસ સુધી લીલા શાકભાજી, કંદમૂળ, રાત્રી ભોજનનો જૈન સમાજ ત્યાગ કરશે

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૩ : જૈન ધર્મમાં અતિ મંગલ અને પાવનકારી પર્વાધિરાજ પાવન પર્યુષણ પર્વનો આજથી શુભારંભ થતાં સમગ્ર ઝાલાવાડના દેરાવાસી અને સ્થાનકવાસી જૈનોમાં હરખ ની હેલી વરસી છે. પર્યુષણ પ્રસંગે દેરાસરો માં તિર્થંંકર દેવો ને આંગી શણગાર , ઉપાશ્રયોમાં સાધુ સાધ્વીજી ઓ દ્વારા વ્યાખ્યાન સહિતના ધાર્મિક કાર્યો શરૂ થશે.

જૈન ધર્મમાં અતિ પાવન ગણાતાં પર્યુષણ પર્વનો આજે શુક્રવારથી પ્રારંભ થતાં સમગ્ર જીલ્લા ના દેરાસરો માં બીરાજમાન તિર્થંકર પ્રભુજીઓને બાદલો, વરખ, મખમલ, ફુલો, અરીસા, રંગબેરંગી ટીકી, સોના ચાંદીના વરખ, હીરા મોતી સહિત વિવિધ વસ્તુઓથી સુંદર કલાત્મક આંગીના શણગાર થશે. જયારે દેરાસરોમાં રાત્રી ભાવનામાં પ્રભુજીના ગુણગાનનું ધાર્મિક ગીતો દ્વારા ગાન થશે.જયારે જૈનો પર્યુષણ દરમ્યાન આઠ દિવસ સુધી લીલા શાકભાજી, કંદમુળ સહિતની વાનગીઓ નો ત્યાગ કરી ફકત કઠોળનો આહાર કરશે. જયારે જીલ્લા ના વિવિધ ગામોના ઉપાશ્રય માં ચાતુર્માસ બીરાજમાન સાધુ સાધ્વીજીઓનાશ્રી મુખેથી અપાતા વ્યાખ્યાનનો લાભ લેવા જૈન શ્રાવક શ્રાવિકાઓ ઉમટશે.અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે કોરોનાના કારણે ગયા વર્ષે પર્યુષણ પર્વનો ઉત્સાહ સાવ મંદ હતો અને જૈનોએ ઘરે બેઠા પર્વની સાદાઇથી ઉજવણી કરી હતી.

(12:07 pm IST)