Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

વાંકાનેરમાં જન્માષ્ટમી ઉત્સવ ધામધુમથી ઉજવાયો મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાના હસ્તે ભગવાનનું પુજન

સમસ્ત માલધારી સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા પરિભ્રમણ

(નિલેશ ચંદારાણા) વાંકાનેર, તા.૩: વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ધામધુમ અને ભકિતભાવ સાથે ઉજવાયો હતો. સમસ્ત હીન્દુસમાજ જન્માષ્ટમી મહોત્સવ  સમિતીના અધ્યક્ષ મહારાણા રાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાના હસ્તે ભગવાનશ્રી કૃષ્ણનું પુજન થયુ હતું. શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરવાળી શેરીમાં પદયાત્રા સાથે ઢોલ-ત્રાસાના સંગીત સાથે ભગવાનની યાત્રા કરી હતી. આ કાર્યક્રમમાં ગાયત્રી શકિત પીઠના ટ્રસ્ટી અશ્વીનભાઇ રાવલ, શ્રી રઘુનાથજી મંદિરના પ્રતિનિધી રેવાદાસ હરીયાણી, શ્રી ફાળેશ્વર મહાદેવ મંદિરના સંચાલક વિશાલભાઇ પટેલ, સમિતિના સદસ્યો ભરતભાઇ ઓઝા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહીત જુદી જુદી જ્ઞાતિના અગ્રણીઓ કૃષ્ણ ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

સમસ્ત માલધારી સમાજ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિએ કોરોના અને સરકારશ્રીની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી પદયાત્રા સાથે સવારે ૧૦ વાગ્યે શ્રી ફળેશ્વર મંદિરે યાત્રા પુર્ણ કર્યા બાદ બપોરે ૧૨ વાગ્યે સમસ્ત માલધારી સમાજ દ્વારા શ્રી ફળેશ્વર મંદિરેથી ભગવાનનો ભવ્ય રથ તૈયાર કરી દિવાનપરા સ્ટેચ્યુ ચોક પાસેથી નંદલાલાની જયજયકાર અને ડી.જે.ના સંગીત સાથે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્ર પ્રસ્થાન થયેલ. જેમાં શોભાયાત્રાના આયોજકો રણછોડભાઇ ડાયાભાઇ લામકા, મોનાભાઇ લામકા, માલધારી સમાજના અગ્રણી અને વાંકાનેર તાલુકા ભા.જ.પના મહામંત્રી હીરાભાઇ બાંભવા, નવધણભાઇ માલધારી (હસનપર) વાલાભાઇ લામકા, સેલાભાઇ, કાનાભાઇ, દેવાભાઇ સહીતના અગ્રણીઓ સાથેની ભવ્ય શોભાયાત્રામાં રણછોડભાઇ લામકા અને સાથી મિત્રોએ વાંકાનેર ભા.જ.પ. અગ્રણી અને પુવ નગરપતી જીતુભાઇ સોમાણીને આમંત્રણ આપી શોભાયાત્રામાં સામેલ કર્યા હતા. નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન સેજપાલ, રાજુભાઇ સોમાણી સહીતના અગ્રણીઓ જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ જોડાયા હતા.

શોભાયાત્રા દિવાનપરાથી શરૂ થઇ આરોગ્યનગર, ભરવાડપરા, કુંભારપરા, પતાળયા રોડ થઇને માર્કેટચોકમાં પહોંચેલ. જયા રાસ-ગરબાની અને હુડા રાસની રમઝટ બાદ પુર્ણ થયેલ શોભાયાત્રા અને આયોજકોનું ઠેકઠેકાણે સન્માન થયુ હતું. શોભાયાત્રામાં શિવસેનાના શહેર અને તાલુકાના પ્રમુખો મયુર ઠાકોર પણ જોડાયા હતા. શોભાયાત્રાના રૂટ ઉપર સરબત-પાણી તથા ફરાળની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. માર્કેટચોકમાં વાંકાનેરની શ્રી બાલકૃષ્ણ લાલજી તથા શ્રી ગોર્વધન નાથજી હવેલીના યુવક મંડળે ચેવડો-પેંડા-કેળા અને દુધ કોલ્ડ્રીંગ્સની વ્યવસ્થા ગોઠવી હતી. શોભાયાત્રામાં નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, વાંકાનેર તાલુકા યુવા ભા.જ.પ.ના ઉપપ્રમુખ જગદીશસિંહ ઝાલા પણ શોભાયાત્રામાં જોડાયા હતા.

મોરબી ક્રાઇમ બ્રાંચના પોલીસ અધીકારી ડાભી અને વાંકાનેર શહેર -તાલુકા પોલીસે સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો.

(12:04 pm IST)