Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ટ્રેનના રૂટ-ફાટક મુદ્દે કાલથી વિસાવદરમાં હર્ષદભાઇ રીબડીયાની આગેવાનીમાં આંદોલન

વિસાવદર વિધાનસભા મતક્ષેત્ર પ્રત્યે રેલવે તંત્ર દ્વારા અન્યાય : ૨૮ રેલવે ફાટકો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર બંધ કરી દીધા : કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં લોક આંદોલનના મંડાણ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩ :  વિસાવદર વિધાનસભા મતક્ષેત્ર પરત્વે રેલ્વે તંત્ર સરેઆમ ઉપેક્ષા સેવી રહ્યુ છે જે હવે સ્વયં સ્પષ્ટ થઈ રહ્યુ છે. કોરોનાકાળમાં વિસાવદર થઈ પસાર થતી જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ સહિતના ત્રણ જિલ્લાને જોડતી મીટરગેજ રેલ્વે લાઈનો કલમના એક જ ઝાટકે બંધ કરી દીધેલ..જૈ પૈકીની 'વિસાવદર-જૂનાગઢ' લાઈનને બાદ કરતા છેક અમરેલીથી વેરાવળ સુધીની મીટરગેજ બધી જ ટ્રેનો ચાલું કરી દીધેલ છે. ચાલુ કરેલી ટ્રેનોની રેલ્વે લાઈનોમાં વન-પર્યાવરણ-વન્યપ્રાણી બધુ જ આવે છે,છતાંયે ટ્રેનો ચાલુ. પરંતુ 'જૂનાગઢ-વિસાવદર' લાઈન વચ્ચે નથી આવતુ વન-પર્યાવરણ-વન્યપ્રાણી કે, અન્ય કોઈ પ્રશ્ન છતાય 'વિસાવદર-જૂનાગઢ' વચ્ચેની મીટરગેજ ટ્રેન વારંવારની રજુઆતો છતા રેલ્વેતંત્ર નથી ચાલુ કરતુ કે, નથી કોઈ કારણ આપતુ આ લાઈન ન ચાલુ કરવાનુ 'કારણ'..!!! વિસાવદર-જૂનાગઢ વચ્ચેની મીટરગેજ ટ્રેન અબાલ-વૃદ્ઘો-મહિલાઓ-અપડાઉન કરતા નાના માણસો માટે આશીર્વાદરૂપ છે, વળી 'વિસાવદર - જૂનાગઢ' ટ્રેનમાં દરરોજ ભરચક્ક ગિરદી હોય,જેથી ટ્રાફિકનો પણ પ્રશ્ન નથી આમછતાંય રેલ્વેતંત્ર કોઈ 'અકળ' કારણોસર આ પાટે ટ્રેન શરૂ કરવા 'ટસનું મસ' નથી થતુ...!!

હવે રેલ્વેને આટલેથી સંતોષ ન થતો હોય તેમ વિસાવદર વિધાનસભા મતક્ષેત્ર પરત્વે વધુ એક અવળચંડાઈ આદરી છે.ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાના જણાવ્યા અનુસાર આ મતક્ષેત્રનાં ૨૮ ફાટકો કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કર્યા વિના રેલ્વે તંત્રએ બંધ કરવાનો નિર્ણય લીધો છે.જેના પરીણામે લોકોમાં રેલ્વેતંત્ર સામે સ્વયંભૂ રોષ ફાટી નીકળ્યો છે.આ મુદ્દે કાલે તા.૪ શનિવારના રોજ સવારે ૧૦ કલાકે મામલતદાર કચેરી-વિસાવદર ખાતે 'લોક આંદોલન'નાં મંડાણ કરાશે.

ધારાસભ્ય રિબડીયાનાં જણાવ્યા અનુસાર રેલ્વે તંત્રનુ વિસાવદર પ્રત્યે સતત ઓરમાયું વર્તન રહ્યુ છે, ક્રમે ક્રમે કેટલીયે ટ્રેનો બંધ કરી છે અને હાલ 'વિસાવદર-જૂનાગઢ' વચ્ચેની ટ્રેન કોઈપણ કારણ વિના ચાલુ ન કરાતી હોવાની વ્યાપક 'લોક ફરિયાદ' છે. આ ઉપરાંત બાકી રહેતુ હોય તેમ વિસાવદર વિધાનસભા મતક્ષેત્રનાં કુલ-૨૮ રેલ્વે ફાટકો કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કર્યા વિના રેલ્વે તંત્ર બંધ કરી રહ્યુ છે,જેથી આ રેલ્વે ફાટકો પરથી વર્ષોથી પસાર થતાં ખેડૂતો-આમજનતા-બળદગાડાઓ-વાહનો કયાંથી ચાલશે..? સાઈડ રોડ, અંડરબ્રીજ, ઓવરબ્રિજ કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા વિના એકીસાથે ૨૮ ફાટકો બંધ કરવાના રેલ્વેના તઘલખી નિર્ણય સામે લોકોમાં રોષ ફાટી નિકળતા ધારાસભ્ય રિબડીયાનાં નેતૃત્વ તળે કાલે 'લોક આંદોલન'નાં મંડાણ કરાશે.જેમાં શહેરીજનો-ગ્રામજનો-ખેડૂતો-મજદૂરો-વેપારીઓ-આગેવાનો-સ્વૈચ્છિક સંસ્થાઓ વિગેરે જોડાશે.

કાલથી ધારાસભ્યના ખુદના નેતૃત્વ તળે આંદોલન શરૂ થઇ રહ્યું હોય જબરી ઉત્તેજના સાથે ભારે ઉત્કંઠા પ્રવર્તે છે.

(11:16 am IST)