Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કોરોના મુદ્દે માંગણીઓનો સ્વીકાર ન થાય ત્યાં સુધી લડત ચલાવીશુઃ અર્જુનભાઇ મોઢવાડીયાની કચ્છમાં જાહેરાત

કોવિડ ન્યાય યાત્રા અંતર્ગત આદિપુર-અંજાર-સાપેડા-ભાદરોઇ-રતનાલ ગામોની મુલાકાતે કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ

ભુજ :.. અર્જુનભાઇ મોઢવાડીયાના નેતૃત્વ હેઠળ કચ્છમાં કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા આવી હતી અને કોરોનાગ્રસ્ત પરિવારોને આરોગ્ય સહાય, નોકરી અને મૃત્યુ સહાય માટે માંગ કરાઇ હતી. (તસ્વીર : વિનોદ ગાલા-ભુજ) 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ :.. કોરોના કાળમાં તમામ મોરચે નિષ્ફળ નીવડેલ કેન્દ્રની તથા ગુજરાતની ભાજપ સરકાર સામે પ્રજામાં જન-આક્રોશ છે. બેડ-ગેસ સીલીન્ડર-રેમડેસીવર ઇન્જેકશન તથા ઓકસીજનનાં અભાવે હજારો લોકો સરહદી કચ્છ જીલ્લામાં મોતને ભેટેલ છે છતાં સરકાર હજી સુધી કુંભ કર્ણ નિંદ્રામાં પોઢી રહી છે. જેનાં વિરૂધ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ ચાવડાનાં આદેશાનુસાર કચ્છ જીલ્લામાં પ્રદેશ મોવડી અર્જુનભાઇ મોઢવાડીયા તથા કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પ્રમુખો સર્વશ્રી હાજી ગની માંજોઠી (ગાંધીધામ) કરસન રબારી (અંજાર) સંજય ગાંધી ગાંધીધામ શહેર રાજેન્દ્રસિંહ જાડેજા (અંજાર શહેર) તથા તાલુકા વિપક્ષી નેતાઓ અલ્પેશ ઝરૂ, યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં ન્યાય યાત્રા અંતર્ગત આદિપુર - અંજાર ગાયત્રીનગર, સાપેડા, ભાદરોઇ - રતનાલ વિ. ગામોની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે શ્રી મોઢવડીયાએ ગુજરાતની ભાજપ સરકારને આડેહાથ લેતા જણાવ્યું હતું કે સરકાર પાંચ વર્ષની ઉજવણી કરતા શરમ અનુભવતી નથી જે આવી સરકાર પ્રજા ઉપર બોજારૂપ છે, ખરેખર કોરોના મૃતકોનાં આંકડા છુપાવી સરકાર શુ સાબીત કરવા માંગે છે. કોંગ્રેસ પક્ષ સરકારનાં તમામ જુઠાણાઓનો પર્દાફાશ કરી ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત આપશે.

શ્રી મોઢવાડીયા દ્વારા કોવીડ અસરગ્રસ્તોમાં મૃતક પરિવારોની માહિતી એકત્ર કરી સાત્વના પાઠવી હતી. અને કોંગ્રેસ પક્ષ સતત સહાનુભુતિરૂપે આપની સાથે રહેશે તેવો સધિયારો આપી જાત માહિતી મેળવી હતી.

જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ શ્રી અર્જુનભાઇ મોઢવડીયા તથા પ્રદેશ કોંગ્રેસ કોરોના અસરગ્રસ્તો તથા મૃતકોનાં પરિવારોનાં આંસુ લુછવા આવેલ તે બદલ આભારની લાગણી વ્યકત કરી હતી અને ૪ લાખ સહાય તથા મોંઘી સારવાર માટે આરોગ્ય પેકેજ તથા પ્રત્યેક મૃતક પરિવારનાં સભ્યને નોકરી વિ. મુદ્ે કોંગ્રેસ આગામી દિવસોમાં લડતને મજબૂત બનાવશે તેવો સંકેત આપી લડતમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

ઉપરાંત આદિપુર મૃતકો સ્વ. કરસનભાઇ આહીર, અંજારના યુવરાજસિંહ જાડેજાના માતુશ્રી તથા સાપેડા સ્વ. કાન્તી નારાણ ડાંગર ભાદરોઇનાં સ્વ. જેશાભાઇ દેવશી રબારી, રતનાલનાં મેરિયા ધનાભાઇ વેલાનાં ધર્મપત્ની વિ. નાં પરિવારજનોને સાત્વના પાઠવી હતી.

આ ન્યાય યાત્રામાં જી. પં. વિપક્ષી નેતા રમેશ ડાંગર, વી. કે. હુંબલ, ભોજાભાઇ રબારી, ચેતન જોષી, ભરત ગુપ્તા, અરવિંદગર ગુંસાઇ, ભરતભાઇ સોલંકી, મહાદેવા ડાંગર, જીતેન્દ્ર દાફડા, ગોવિંદ દનિચા, ખીમજી થારૂ, ભગુભાઇ વરચંદ, અરજણ ખાટરીયા, અલ્પેશ દરજી, લખાભાઇ આહીર, રમેશ ઝરૂ, દિલીપસિંહ ઝાલા, રાધાસીંગ ચૌધરી, શેરબાનુ ખલીફા વિ. આગેવાનો ન્યાય યાત્રામાં જોડાયા હતાં.

આ યાત્રાનું રૂટની આયોજન વ્યવસ્થા કરસનભાઇ રબારી, જીતુ દાફડાએ સંભાળી હતી. એવુ જીલ્લા પ્રવકતા દિપક ડાંગર દ્વારા જણાવાયું છે.

(11:15 am IST)