Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

મિશ્ર હવામાન સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા

સમયસર મેઘરાજા વરસ્યા પરંતુ હજુ અવિરત મેઘમહેર ચાલુ રહે તે પાક માટે જરૂરીઃ હળવા- ભારે ઝાપટા યથાવત

ખંભાળીયા-તસ્વીરમાં કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામની કુંતી નદીમાં પાણીનો પ્રવાહ નજરે પડે છે. (તસ્વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા

રાજકોટ તા. ૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ સાથે પવનના સૂસવાટા યથાવત છે. થોડીવાર અચાનક વાદળા છવાઇ જાય છે તો થોડીવારમાં તડકો છવાઇ જાય છે. અને બપોરના સમયે બફારાનો અહેસાસ થાય છે.

સમયસર મેઘરાજા વરસ્યા છે. પરંતુ હજુ અવિરત મેઘમહેર ચાલુ રહે તે પાક માટે જરૂરી છે. છેલ્લા ર૪ કલાકમાં કોઇ-કોઇ જગ્યાએ હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

રાજકોટમાં બુધવારે ૪૧ મી.મી. વરસાદ થયા બાદ ગુરૂવારે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતાં. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બુધવારે સાઇકલોનિક સકર્યુલેશન જે દક્ષિણ ગુજરાતમાં હતું તે ગુરૂવારે સૌરાષ્ટ્રમાં શિફટ થયું હતું. જેની અસરના ભાગરૂપે ગુરૂવારે રાત્રીથી આજે શુક્રવારે સાંજ સુધી વરસાદ પડશે. જયારે દરીયાકાંઠાનાં નજીકના એક - બે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે.

રાજકોટમાં કાલે સવારે વાતાવરણ ચોખ્ખું હતું તડકો પણ નીકળ્યો હતો. ત્યારબાદ આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. આખા દિવસમાં ર મી. મી. વરસાદ નોંધાયો છે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલ મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝીશનથી દક્ષિણ તરફ છે. જે ચોમાસા માટે સાનુકુળ સંજોગો કહી શકાય. સૌરાષ્ટ્ર પર રહેલું સાઇકલોનિક સકર્યુલેશન ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધીને નબળું પડી જતું હોય છે.

મોરબીમાં કાલે દિવસભર ઉકળાટ અને વાદળોની હડિયાપટ્ટી બાદ સમી સાંજે માત્ર ૧પ થી ર૦ મિનીટમાં એક ઇંચ પાણી વરસી ગયું હતું. લોકો વરસાદી વહાલને ઝીલવા નીકળી પડયા હતાં. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ગોંડલ, જસદણ, ધોરાજી, આટકોટ, વીરનગર, વીરપુરમાં વાદળોની સતત આવન-જાવન વચ્ચે હળવા ભારે ઝાપટા વરસતાં રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થયા શરૂ થયેલી મેઘસવારી ગઇકાલે પણ અવિરત રીતે વરસી હતી. ખાસ કરીને દ્વારકા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ગઇકાલે ગુરૂવારે દ્વારકા તાલુકામાં દિવસ દરમિયાન ભારે ઝાપટા રૂપે ૬૪ મિલીમીટર વરસાદ વરસી ચુકયો હતો. જયારે આજે સવારે આઠ વાગ્યે પુરા થતા ર૪ કલાક દરમિયાન કલ્યાણપુર તાલુકામાં ૩૧ મીમી અને ભાણવડ તાલુકામાં માત્ર બે મિલીમીટર વરસાદ નોંધાયો છે. ખંભાળિયા પંથકમાં મેઘરાજાએ વિરામ વચ્ચે હળવા વરસાદી ઝાપટા વરસાવ્યા હતા.

આમ, મોસમનો કુલ સરેરાશ વરસાદ દ્વારકા તાલુકામાં પ૧.૮૭ ટકા, કલ્યાણપુર તાલુકામાં ૬૯.૮૯ ટકા, ભાણવડ તાલુકામાં ૪૬.૬૬ ટકા અને ખંભાળિયા તાલુકામાં પપ.૯૮ ટકા સાથે જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ પ૯.૭પ ટકા થયો છે.

જો કે જિલ્લામાં અનેક જળ સ્ત્રોતોમાં નવા નીરની આવક થઇ ન હતી. ખંભાળિયા શહેરને પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં હાલ આશરે ચારેક માસ ચાલે તેટલું પોણા ચાર ફૂટ જેટલું પાણી સંગ્રહિત છે. શહેરને પીવાના પાણીની સમસ્યા હલ થાય તે માટે હજુ મુશળધાર વરસાદ અનિવાર્ય છે. હાલની પરિસ્થિતિ જોતા વીસ ફૂટની ઉંચાઇ ધરાવતો ધી ડેમનો સરકાર નર્મદા ડેમના પાણીથી ભરી દે તે બાબતને ઇચ્છનીય ગણાવાઇ રહી છે.

કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે ગઇકાલે ગુરૂવારે ત્રણેક ઇંચ જેટલા મુશળધાર વરસાદથી ગામના પાદરમાંથી પસાર થતી કુંતી નદી બે કાંઠે વહી હતી. આ સહિત કલ્યાપુર તાલુકાનો કુલ વરસાદ પ૭૮ મિલીમીટર થયો છે.

આજે સવારથી ખંભાળિયા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી વાદળોની જમાવટ વચ્ચે મેઘાવી માહોલ છવાયો છે અને વધુ વરસાદ વરસવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે.

(11:14 am IST)