Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

વિસાવદર તાલુકાના સુખપુર ગામે માજી ધારાસભ્યશ્રી પોપટભાઇ રામાણી પરિવારના માતબર દાનથી નિર્માણ થનાર અદ્યતન લેઉઆ પટેલ સમાજનું જન્માષ્ટમીના શુભદિને - શુભ મુહૂર્તમાં ખાતમુહૂર્ત

'માતૃશ્રી કુંવરબેન રામજીભાઇ રામાણી લેઉવા પટેલ સમાજ ભવન'ના નામકરણ સાથે આકાર પામનાર 'ભવન' તાલુકાભરમાં અનન્ય-બેનમુન બનાવવાની નેમ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. રઃ વિસાવદર તાલુકાના સુખપુર ગામે માજી ધારાસભ્ય શ્રી પોપટભાઇ રામાણી પરિવારના માતબર દાનથી નિર્માણ થનાર અદ્યતન લેઉઆ પટેલ સમાજ ભવનનું જન્માષ્ટમીના શુભદિને-શુભ મુહૂર્તમાં ખાતમુહૂર્ત કરાયું હતું.

માત્ર ૧૧પ લેઉઆ પટેલ સમાજના ઘર ધરાવતા સુખપુર ગામમાં 'માતૃશ્રી કુંવરબેન રામજીભાઇ રામાણી લેઉઆ પટેલ સમાજ ભવન'ના નામકરણ સાથે આકાર પામનાર આ 'ભવન' અનન્ય-બેનમુન બનાવવાની પ્રયોજકોની નેમ છે.

સુખપુરના વતનીઓ વ્યવસાયિક અર્થે મહાનગરોમાં સ્થાયી થયા છે, પરંતુ વતનપ્રેમમાં કયારેય ઓટ આવવા દીધી નથી. દર વર્ષે દિવાળી-સાતમ આઠમ-નવરાત્રી સહિતના તહેવારો સૌ સમુહમાં એકત્રિત થઇ ગામડે જ સુખપુરની પાવન ધરતી પર જ ઉજવે છે. અને આજ જ્ઞાતિ પ્રત્યેનો લગાવ, સામાજિક નિકટતા જળવાઇ રહે તેવા ઉચ્ચ શુભ આશય સાથે માતબર રકમના ખર્ચે સંપૂર્ણ સુવિધાથી સુસજજ અદ્યતન વાડી-ભવન બનાવવાનું આયોજન કરાયું છે.

ભવનના મુખ્ય દાતા-માજી ધારાસભ્ય શ્રી પોપટભાઇ રામાણીની એક જબરા ઉમદા સેવક-આદરપાત્ર પીઢ અગ્રણીની મુઠી ઉંચેરી છાપ છે. તેમના સુરત સ્થાયી-સુપુત્ર અને વિસાવદર-ભેંસાણ વિધાનસભા મતક્ષેત્રમાં વિવિધ સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય અને કોરોના મહામારીના કપરા સમયમાં ઓકિસજનની જટીલ સમસ્યા હલ કરી સૌને પર્યાપ્ત ઓકસીજનની વ્યવસ્થા કરી આપનાર શ્રી બિપીનભાઇ રામાણી ભવન નિર્માણકાર્યમાં સતત સક્રિય છે.

ભવનના મુખ્ય દાતા-સુખપુર વતની-માજી ધારાસભ્ય શ્રી પોપટભાઇ રામાણીના વરદહસ્તે ખાતમુહૂર્ત અને દાતા-ટ્રસ્ટીશ્રી મનસુખભાઇ કરશનભાઇ ડોબરીયાના વરદહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

રૂપીયા એકવીસ લાખના માતબર રકમના મુખ્ય દાતા પૂર્વ ધારાસભ્ય શ્રી પોપટભાઇ રામાણી પરિવારના સહયોગ સાથે અંદાજે દોઢ કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ કાર્ય થશે. વિવિધ દાતાઓ દ્વારા એક જ દિવસમાં ૭૦ લાખના દાનની જાહેરાત કરવામાં આવી હતી.

માતૃશ્રી કુંવરબેન રામજીભાઇ રામાણીના નામથી નિર્માણ થનાર લેઉવા પટેલ સમાજ ભવનના ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત પ્રસંગે ટ્રસ્ટીઓ મનસુખભાઇ કરશનભાઇ ડોબરીયા, બિપીનભાઇ પોપટભાઇ રામાણી, ડો. પિયુષભાઇ ગગજીભાઇ વડાલીયા, સવજીભાઇ વસ્તાભાઇ ગોંડલીયા, જમનભાઇ હંસરાજભાઇ તળાવીયા, રમેશભાઇ રવજીભાઇ તળાવીયા, પરસોતમભાઇ સમજુભાઇ સોજીત્રા, કેશુભાઇ મોહનભાઇ વડાલીયા, રસીકભાઇ વલ્લભભાઇ વડાલીયા, રોહિતભાઇ વલ્લભભાઇ વડાલીયા, અશ્વિનભાઇ કેશુભાઇ રામાણી, વિઠલભાઇ દુદાભાઇ ભાલીયા, અજય વલ્લભભાઇ પડશાળા, મહેશ હરીભાઇ સોજીત્રા, ભીખુભાઇ કાનાભાઇ ગોંડલીયા જેઓ સુખપુર ગામના રહેવાસી-વતનીઓ છે. તેઓએ માતબર યોગદાન આપી સમગ્ર ગ્રામજનોના સહયોગથી આ ભવ્યાતિભવ્ય સમાજ ભવનનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે.

આવતા જન્માષ્ટમીના પાવન પર્વે જ ભવનના ઉદ્દઘાટનના દ્રઢ સંકલ્પ સાથે ભવન-નિર્માણકાર્યમાં જુનાગઢના ડો. પિયુષ વડાલીયા, પરસોતમભાઇ રાંક સહિતના જ્ઞાતિજનો અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.

લેઉવા પટેલ સમાજના માત્ર ૧૧પ ઘર ધરાવતા સુખપુર ગામના જ્ઞાતિજનોએ સમાજને સંગઠીત કરવાનું ભગીરથ ઉમદા કાર્ય કર્યું જેની સાર્વત્રિક પ્રશંસા થઇ રહી છે.

(10:16 am IST)