Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ : મલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગના દર્દીઓની સંખ્યામાં વધારો

તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલ્ટીના કેસો વધ્યા : નકકર કામગીરી નહી થાય તો સ્થિતી વકરશે

જામનગર :શહેરમાં સતત બદલાતા વાતાવરણના કારણે ઋતુજન્ય રોગચાળો વકર્યો છે.જેમાં તાવ , શરદી , ઉધરસ , ઝાડા , ઉલ્ટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગના દર્દીઓની સંખ્યામાં વધારો છે. ત્યારે આરોગ્ય વિભાગ કાગળ પર કામગીરી દર્શાવીને સંતોષ માનતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જામનગરમાં કોરોના પર કાબુ મેળવવામાં સફળતા મળી છે.

પરંતુ ઋતુજન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. તહેવારો પૂર્ણ થતાં જામનગરમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં છેલ્લા ત્રણેક અઠવાડિયાથી જામનગરની જી જી હોસ્પિટલમાં તાવ , શરદી , ઉધરસના અને ઝાડા ,ઉલ્ટીના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

જામનગરની જી જી હોસ્પિટલમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઓપીડીમાં આવે છે. જી.જી.હોસ્પિટલમાં દરરોજના અંદાજીત 30 જેટલા દર્દીઓ તાવ , શરદી અને ઉધરસના આવે છે. તેમજ અંદાજીત 10 થી 15 દર્દીઓ ઝાડા , ઉલ્ટીના તેમજ 3 કેસો ડેન્ગ્યુ અને મેલેરિયાના નોંધાઇ રહ્યા છે. ત્યારે જામનગરની જી જી હોસ્પિટલમાં દવાઓનો પૂરતો જથ્થો તેમજ દર્દીઓને દાખલ કરવા માટેની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

જેમાં માત્ર શહેરી વિસ્તારોમાં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોગચાળા વધતો જાય છે. આંકડા પર નજર કરીએ તો ઓગષ્ટ મહિનામાં શહેરી વિસ્તારોમાં 55854 દર્દીઓ જીલ્લાના અલગ આરોગ્ય કેન્દ્ર પર ઓપીડીનો લાભ મેળવ્યો છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા જતા કેસ બેકાબુ ન બને એ માટે મહાનગર પાલિકાની ટીમે કામે લાગવાની બદલે લોકોને અપીલ કરવામાં આવે છે.

આરોગ્ય ટીમ દ્રારા કામગીરી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરમાં અલગ અલગ 30 ટીમો વડે ફોગીંગ , જંતુનાશક દવાઓનો છંટકાવ વગેરે જેવી કામગીરી ચાલી રહી હોવાનું ડેપ્યુટી કમીશ્નર એ.કે. વસ્તાણીએ જણાવ્યું છે.

તેમજ વધતો જતો ઋતુજન્ય રોગચાળો પણ એક પડકાર છે. થોડા વર્ષ પહેલાં ડેન્ગ્યુએ આખા જામનગરને બાનમાં લીધું હતું અને સતત વધતા કેસોમાં જામનગરે ગુજરાતમાં મોખરે સ્થાને રહ્યુ હતુ. જો ફરી નકકર કામગીરી નહી થાય એવી સ્થિતી સર્જાશે તેમાં કોઇ નવાઈ નથી.

(12:02 am IST)