Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કેનેડા સરકાર ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મુસાફરી પ્રતિબંધમાં છૂટછાટ આપે: હેમંત શાહ

કેનેડા ભરત મુક્ત વ્યાપાર બાબતે પણ ઓવરસિઝ ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર હેમંત શાહની વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સમક્ષ રજૂઆત, કેનેડા વસતા ઉદ્યોગપતિ હેમંત શાહ મૂળ કચ્છ ગુજરાતના

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) કોરોનાના કારણે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓને અસર પહોંચી છે. જેની સૌથી વધુ અસર વિદેશમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓ ઉપર થઈ છે. આ અસર કેનેડામાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ ઉપર પણ પડી રહી છે. એ સંદર્ભે કેનેડા વસતા મૂળ કચ્છ ગુજરાતના ભારતીય ઉદ્યોગપતિ હેમંત શાહે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સમક્ષ પત્ર લખીને રજૂઆત કરી છે કે, કેનેડિયન સરકાર વિદ્યાર્થીઓના પાછા ફરવા ઉપર અને અભ્યાસ ચાલુ રાખવા બાબતે આવતાં અવરોધો માં છૂટછાટ આપે. કેનેડાના વિનીપેગ ખાતે ચાલીસ વર્ષથી ભારત કેનેડા વ્યાપાર સાથે સંકળાયેલા હેમંત શાહે કેનેડામાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓની હિસ્સેદારી ૩૪ ટકા હોઈ અભ્યાસ આડેના અવરોધો દૂર કરવા કેનેડા સરકારને પત્ર લખી જણાવ્યું છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડીયાના ડિરેક્ટર હેમંત શાહે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ૨૦૧૯ માં કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિશ્વનું ત્રીજું અગ્રણી સ્થળ હતું. ભારતીય વિધરથીઓ પણ કેનેડાને પસંદ કરી રહ્યા છે. કેનેડામાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતના વિદ્યાર્થીઓ ૩૪ ટકા છે. આ વિદ્યાર્થીઓ કેનેડાની અર્થ વ્યવસ્થા અને શ્રમ કર્મચારીઓમાં યોગદાન આપે છે.  ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ ના આઈઆરસીસી રિપોર્ટ પ્રમાણે કેનેડામાં ૨૦૧૯ માં ૬,૩૮,૯૬૦ આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ  કરતાં હતા, ૨૦૨૦ માં અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓની સંખ્યા ૫,૩૦,૫૪૦ થઈ છે, જે ૧૭ ટકા ઘટી છે. જે છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી વધુ ઘટાડો દર્શાવે છે. એટલે વિસ્તૃત મુસાફરી પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના દ્રષ્ટિકોણ ઉપર અવળી અસર કરશે.  સરકાર આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધ હટાવવા અને  કેનેડા ભારત વચ્ચે મુક્ત વ્યાપાર કરારને પૂર્ણ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. કોરોના મહામારી ને પગલે કેનેડાની અર્થ વ્યવસ્થાને વેગ આપવા ઠોસ નિર્ણય લેવા જરૂરી છે. વર્તમાન પરિસ્થિતિમાં કેનેડા સરકારે નવી નીતિ વિષયક નિર્ણય લેવા પડશે. કેનેડા ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, વિદેશ બાબતો વિભાગ અને આંતરરાષ્ટ્રીય વેપાર સેવાઓ, દૂતાવાસ વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધો બાબતે ચોક્કસપણે ગંભીરતાથી લેવું જોઈએ.

(9:53 am IST)