Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

જેતપુરની કરોડો રૂપિયાની ટર્ન ઓવર કરતી ઔદ્યોગિક સંસ્થા ડાઇંગ એસોસીયેશન સામે સોશ્યલ મિડીયામાં આક્ષેપો

સીનીયર-જુનીયર ટીમ વચ્ચે મોટો ગજગ્રાહઃ નવા સુકાની કોણ?

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૩ છે... શહેરની જીવાદોરી સમાન સાડી ઉદ્યોગથી શહેર ફલ્યુ ફાલ્યુ છે એક સમયે મીની દૂબઇ કહેવાતું શહેરમાં ૧પ૦૦થી પણ વધુ સાડી પ્રીન્ટીંગ યુનિટો આવેલા છે. તમામ યુનિટોનો વહીવટ સરળતાથી ચાલે અને કોઇ પ્રશ્નો આવે તો તેનુ નિરાકરણ લાવી શકાય એવા હેતુથી ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગ એસોસીએશનની સ્થાપના કરવામાં આવેલ. જે આજે કરોડો રૂપિયાનો વહીવટ કરતી શહેરની ટોચની ઔદ્યોગીક સંસ્થા બની ગઇ છે. તેનો વહીવટ છેલ્લા ર૦-રર વર્ષથી સીનીયર ટીમ દ્વારા કરવામાં આવતો પરંતુ કોઇ કારણોસર સતામાં નવી યંગ ટીમ આવી તેમણે અમુક કારખાનેદારો માનતા ન હોય કાયદાનું પાલન ન કરતા હોય કંટાળી જઇ સત્તા છોડી દીધેલ.

ગઇકાલથી સોશ્યલ મીડીયામાં વોર શરૂ થઇ હોય જેથી આબરૂના લીરા ઉડી રહ્યા છે એસોસીએશનને ટૂંકા ગાળામાં લાખો રૂપિયાનો ફાયદો કરાવ્યો હોવાનો મેસેજ કરતો થયો છે. તો શું તે સીનીયર ટીમની અણ આવડત જાહેર કરે છે ? તો સામા પક્ષે સીનીયર ટીમ દ્વારા અત્યાર સુધી આ ઉદ્યોગ સામે આવતા પડકારોનો હલ શોધી નિરાકરણ લાવેલ તે યોગ્ય ન હતું...?

આમ સીનીયર-જુનીયર ટીમ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હોય આવતીકાલે ડાઇંગ એસોસીએશન જનરલ મીટીંગ યોજાનાર હોય જેમાં  આવા પ્રશ્નો ઉપસ્થિત થવાના હોય પરંતુ અનિવાર્ય સંજોગોનાં કારણે મીટીંગ રદ કરવામાં આવેલ તેવુ આધારભુત વર્તુળોમાંથી  જાણવા મળેલ છે.  સીનીયર ટીમે નાના કારખાનેદારોનો ખ્યાલ રાખ્યો ન હોય જુનીયર ટીમે નાના કારખાનેદારોને સાથે લઇ તમામનો વિકાસ થાય તેવો અભિગમ અપનાવેલ હોવાનું કારખાનેદારોમાં ચર્ચાય રહ્યુ છે.

(12:53 pm IST)