Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

મોરબીના મકનસરમાં જુના મનદુઃખને લીધે વણકર બંધુ ધર્મેશ અને કેતન મુંધવા પર સશસ્ત્ર હુમલો

બે વર્ષ પહેલા કેતનની પાણીપુરીની ડીશ ઢોળી નંખાતા માથાકુટ થઇ હતીઃ જયેશ ચમાર, વેલજી, ગુલાબ, પવો અને સંજય તલવાર, ધારીયા, પાઇપ, મુંઠથી તૂટી પડ્યા

જકોટ તા. ૩: મોરબીના મકનસરમાં બે વર્ષ જુના મનદુઃખને લીધે વણકર બંધુ રાત્રીના ઘરે સુતા હતાં ત્યારે ધસી આવેલા ચમાર શખ્સોએ સશસ્ત્ર હુમલો કરી માથામાં ગંભીર ઇજાઓ કરતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

મકનસર પ્રેમજીનગરમાં રહેતો ધર્મેશ બીપીનભાઇ મુંધવા (ઉ.૨૬) નામનો વણકર યુવાન અને તેનો ભાઇ કેતન બિપીનભાઇ મુંધવા (ઉ.૨૯) રાત્રે સાડા અગિયારેક વાગ્યે ઘરે સુતા હતાં ત્યારે ગામના જ ચમાર શખ્સો જયેશ, વેલજી, ગુલાબ, પવો, સંજય સહિતના ધસી આવ્યા હતાં અને ધારીયા, તલવાર, પાઇપ તથા લોખંડની મુંઠથી હુમલો કરી બંનેને માથા-શરીરે ઇજાઓ કરતાં દેકારો મચી ગયો હતો.

લોકો ભેગા થઇ જતાં હુમલોખોરો ભાગી ગયા હતાં. બંને ભાઇઓના પિતા અને માતા ગુરૂવાર હોવાથી મામાપીરના દર્શને ગયા હતાં. તેમને જાણ થતાં તેઓ ઘરે પહોંચ્યા હતાં અને બંનેને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડ્યા હતાં. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

બિપીનભાઇના કહેવા મુજબ બે વર્ષ પહેલા તેનો દિકરો કેતન પાણી પુરી ખાઇ રહ્યો હતો ત્યારે જયેશે ડીશ ઢોળી નાંખતા માથાકુટ થઇ હતી. તે વખતે પોતે સમજાવવા જતાં પોતાના પર હુમલો થતાં પોલીસ કેસ થયો હતો. જેનું બાદમાં કોર્ટમાં સમાધાન પણ થઇ ગયું હતું. જો કે મનદુઃખ આમ છતાં ઉભુ હતું. તેનો ખાર રાખી ગત રાત્રે તેના બંને દિકરા પર ઓચિંતો હુમલો કરાયો હતો. (૧૪.૫)

(12:31 pm IST)