Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કચ્છ નર્મદા શાખા નહેરની બાકી કામગીરી બાબતે બેઠક: કલેકટર, સાંસદ, ધારાસભ્ય, ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ચર્ચા : કચ્છને અન્યાય થતો હોવાની લાગણી વ્યક્ત કરી પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ તાજેતરમાં જ કચ્છ ભાજપ પ્રમુખને લખ્યો હતો પત્ર, અગાઉ પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ પણ પત્ર અધૂરા કામો પૂરા કરવા અને બજેટમાં નાણા ફાળવવા સરકારને લખ્યો હતો પત્ર

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) કચ્છની નર્મદા બ્રાન્ચ કેનાલના અધૂરા કામ તેમ જ વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીનો મુદ્દો અત્યારે ચર્ચામાં છે. આ બાબતે સરકારની વારંવાર જાહેરાતો અને કચ્છના આગેવાનો, કિસાનો અને લોકોની રજૂઆતો  પછી પણ કામો પૂરા ન થતાં કચ્છને  અન્યાય થઇ રહ્યો હોવાની લાગણી બળવત્તર બની છે. હમણાં જ પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ કચ્છ ભાજપ પ્રમુખને પત્ર લખી કચ્છના નર્મદાના સિંચાઈના પાણી મુદ્દે પ્રદેશ પ્રમુખ પાસે રજૂઆત કરી સંગઠન વતી સરકાર સમક્ષ રજૂઆત કરવા સૂચન કર્યું હતું. જોકે, ભાજપના વરિષ્ઠ નેતા પુષ્પદાન ગઢવીએ કચ્છી પ્રજામાં સરકાર સામે નારાજગી વધવાની દહેશત પણ વ્યક્ત કરી હતી. આથી અગાઉ પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા પણ સરકારને પત્ર લખી નર્મદાના કામો પૂરા કરવા તેમ જ બજેટમાં પૂરતા નાણા ફાળવવા રજૂઆત કરી ચૂક્યા છે. કચ્છ નર્મદા જળસંકટ નિવારણ સમિતિ તેમ જ કચ્છ કિસાન સંઘ પણ નર્મદાના સિંચાઈના બાકી કામ તેમ જ વધારાના પાણી માટે રજૂઆત કરી ચૂક્યા છે.   

 સતત રજૂઆતો પછી હવે ફરી એકવાર સ્થાનિક વહીવટીતંત્રએ આ અંગે પ્રયાસો શરૂ કર્યા છે.  

  નર્મદા શાખા નહેરની બાકી રહેલ કામગીરી તથા વિલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં કચ્છ શાખા નહેરની કામગીરીના વિલંબિત પ્રશ્નોની ચર્ચા થયેલ હતી. જેમાં કચ્છ શાખા નહેર બાબતે  મુન્દ્રા અને માંડવી તાલુકાના પ્રભાવિત ખેડુતોના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરી તેનું સમાધાન કરવામાં આવ્યું હતું. જે અંગે રજુઆત માટે મામલતદાર ઓફિસ માંડવી અને મુન્દ્રા ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત પ્રશ્નોના તાત્કાલિક નિવારણ અર્થે લેવાના થતા જરૂરી પગલાંની પણ ચર્ચા થઈ હતી. કચ્છ શાખા નહેરના પ્રશ્નોનું હકારાત્મક રીતે ઝડપી નિરાકારણ આવે તેની કવાયત પણ કરવામાં આવી. તેમજ વહેલી તકે નર્મદાના નીર મોડકુબા સુધી પહોચાડી શકાય તે માટે હકારાત્મક પગલાં લેવાની ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, મુંદ્રા-માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, અધિક કલેકટર કુલદિપસિંહ ઝાલા, માંડવી-મુન્દ્રા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, કાર્યપાલક ઈજનેરશ્રી વ્રજ પંડ્યા, ગાંધીધામ ખાસ જમીન સંપાદન અધિકારી વી. પ્રજાપતિ, અંજાર નાયબ કાર્યપાલક ઈજનેર, વિલંબિત પ્રશ્નોને લગતા ખાતેદારો તેમજ આગેવાનો, માંડવી-મુન્દ્રા મામલતદાર વિક્રમ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહયા હતા.

(9:39 pm IST)