Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

મોટા ભંડારીયાની નવોદય વિદ્યાલયે વૃક્ષારોપણ તથા કોમ્પ્યુટર લેબ ઉદ્ધાટન કાર્યક્રમ સંપન્ન

અમરેલી,તા.૩: મોટા ભંડારીયાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તેમજ સાંસદ નારણભાઇ કાછડીયા, ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સઘાણી અને જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ તથા કોમ્પ્યુટર લેબ ઉદ્દદ્યાટનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જવાહર નવોદય વિદ્યાલય ખાતે શરુ થઇ રહેલી નવી કોમ્પ્યુટર લેબ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ખુબ જ ફળદાયી નીવડશે.

જવાહર નવોદય વિદ્યાલયના પટાંગણમાં વૃક્ષારોપણ કરતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષારોપણ ઉમદા અભિયાન છે.  દિવસે ને દિવસે હવામાનમાં થતા ફેરફારો તથા જળવાયુ પરિવર્તનની ગંભીર સમસ્યાને ધ્યાને લઇ દરેક નાગરીકે વધારેમાં વધારે વૃક્ષારોપણ કરી વડાપ્રધાનની ઝુંબેશ વૃક્ષો વાવો – સમૃદ્ઘિ લાવોને આગળ ધપાવવા જાહેર જનતાને અપીલ કરી હતી. પ્રભારી મંત્રીશ્રીની સાથે સાથે તમામ મહાનુભાવોએ પણ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

નવોદય વિદ્યાલય અંગે વધુ માહિતી આપતા આચાર્ય વી. એસ. ભોસે  જણાવ્યું હતું કે હાલ વિદ્યાલયમાં ૨૫૬ વિદ્યાર્થીઓ અને ૧૮૩ વિદ્યાર્થીનીઓ એમ કુલ મળી ૪૩૯ વિદ્યાર્થીઓ છે. આ વર્ષનું ધોરણ ૧૨ નું  પરિણામ પણ ૧૦૦% છે. લગભગ ૫.૧૮ લાખના ખર્ચે કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને ૪.૭૨ લાખના ખર્ચે પાણીની પાઈપલાઈનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અંદાજે ૧૦ લાખના ખર્ચે બે કલાસ રૂમ તૈયાર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રીન સ્કૂલ પ્રોજેકટ અંતર્ગત વિદ્યાલયના પટાંગણમાં આંબા, ચીકુ, કસ્ટર્ડ એપલ, અંજીર, જામ્બુ અને નાળિયેર જેવા વિવિધ ફળોના ૮૦૦ જેટલા રોપાઓના વાવેતરનું પ્લાનિંગ પણ હાલ શરૂ છે.

આ તકે અમર ડેરીના ચેરમેન  અશ્વિનભાઈ સાવલિયા, યુવા અગ્રણી  કૌશિકભાઈ વેકરીયા, પ્રાંત અધિકારી  ઉંધાડ તથા જવાહર નવોદય વિદ્યાલયના અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:00 pm IST)