Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જામનગરના અગ્રણી બિલ્ડર ગીરીશભાઈ ડેર ઉપર ફાયરીંગ

બે બાઈકમાં આવેલા ૩ અજાણ્યા શખ્સોએ હવામાં ફાયરીંગ કરતા ગીરીશભાઈએ સ્વબચાવ માટે હથોડી અને નટ-બોલ્ટના ઘા કર્યા અને ફાયરીંગ કર્યુઃ જો કે હવામાં ફાયરીંગ કરતા બચાવ થયોઃ અજાણ્યા શખ્સો નાસી છૂટયા

તસ્વીરમાં ફાયરીંગ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જે નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં બિલ્ડર ગીરીશભાઈ ડેર નજરે પડે છે (તસ્વીરઃ મુકુંદ બદિયાણી)

જામનગર, તા. ૩ :. જામનગરમાં આજે બપોરે અગ્રણી બિલ્ડર ગીરીશભાઈ ડેર (આહિર) ઉપર ફાયરીંગ થતા ખળભળાટ મચી ગયો છે. બે બાઈક ઉપર આવેલા ૩ શખ્સોએ ફાયરીંગ કરતા ગીરીશભાઈએ હથોડી અને નટ-બોલ્ટના ઘા કર્યા હતા તેમજ પ્રતિકાર માટે ફાયરીંગ પણ કર્યુ હતુ. જો કે તેમનો બચાવ થયો હતો. જેથી આ શખ્સો નાસી છૂટયા હતા. આ બનાવની જાણ થતા એસપી શરદ સિંઘલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ક્રિષ્ના પાર્કવાળી જગ્યાને લઈને કુખ્યાત જયેશ પટેલના ભાડુત શખ્સોએ થોડા સમય પહેલા પ્રોફેસરની કાર ઉપર ફાયરીંગ કર્યુ હતું. આજે બિલ્ડર ઉપર થયેલા ફાયરીંગ પ્રકરણને અને ક્રિષ્ના પાર્કવાળી જગ્યાના પ્રકરણને આ ઘટનાના તાર જોડાયેલા છે કે કેમ ? તે તરફ પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરે લાલપુર બાયપાસ નજીક ખાનગી ફાયરિગની ઘટના સામે આવી છે. જેમાં શહેરના આહીર અગ્રણી અને બિલ્ડર ગીરીશભાઈ ડેર પોતાની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પોતાની સાઈટ પર હતા ત્યારે વાહનમાં આવેલ અજાણ્યા સખ્સોએ બિલ્ડર પર ફાયરિગ કર્યું હતું જો કે આરોપીઓએ કરેલ ફાયરીંગમાં બિલ્ડરને એક પણ ગોળી વાગી નથી. આ દ્યટનાને પગલે આરોપીઓ તુરંત નાશી ગયા હતા. આ બનાવના પગલે એલસીબી, એસઓજી અને પંચકોશી બી ડીવીજન પોલીસનો સ્ટાફ તુરંત દ્યટના સ્થળે દોડી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કોઈ સખ્સોએ બિલ્ડરને ડરાવવા માટે જ ફાયરીંગ કર્યું છે. જો કે કોણ શખ્સો છે તેનો કોઈ તાગ મળી શકયો નથી,

બીજી તરફ ગત વર્ષ પ્રોફેસેરની કાર પર જે ફાયરીંગ થયા હતા તે ક્રિષ્નાપાર્ક વાળી જગ્યાને લઈને જ કુખ્યાત જયેશ પટેલના ભાડુતી શખ્સોએ ફાયરીંગ કરાવ્યા હતા. આ દ્યટનાના તાર જે તે દ્યટના સાથે જોડાયેલ છે કે કેમ ? તે તરફ પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ હાલ બિલ્ડરનું નિવેદન નોંધી ફરિયાદ નોંધવા અને આરોપીઓને પકડવા જીલ્લાભરમાં નાકાબંધી કરી રહી છે.

જામનગરમાં વધતી જતી ગુનાખોરીમાં વધુ એક મોટી દ્યટનાનો ઉમેરો થયો છે. ગત વર્ષ સત્યમ કોલોની વિસ્તારમાં થયેલ બિલ્ડર લોબી સાથે સંકળાયેલ પ્રોફેસરની કાર પર થયેલ ફાયરીંગ બાદ વધુ એક ઘટના સામે આવી છે.

(12:25 pm IST)