Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભાવનગરના તળાજા હાઇવે ઉપર જર્જરીત પુલ ઉપરથી કેમીકલ ભરેલું ટેન્‍કર ખાબકયું: એક મહિલા અને બે યુવતીને ગેસ ગળતરની અસર થતા સારવારમાં

ભાવનગરઃ આજે તળાજા હાઇવે પર આવેલા જર્જરિત ભંડારિયા પુલ પરથી કેમિકલ ટેન્કર ખાબકવાની ઘટના બની છે. ટેન્કર નીચે ખાબાકતાં એમાંથી જ્વલન કેમિકલ નીચે બેઠેલી ગાયો પર ઊડ્યું હતું. ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલા અને બે સગીર યુવતીને પણ ગેસ-ગળતરની અસર થઈ હતી. ત્રણેય અસરગ્રસ્તોને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

મળતી વધુ માહિતી મુજબ, આજે એક કેમિકલ ભરેલું ટેન્કર તળાજા હાઇવે પર આવેલા ભંડારિયા ગામમાં આવેલા જર્જરિત પુલ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અકસ્માતની ઘટના બની હતી. કેમિકલ ટેન્કર પુલ પરથી નીચે ખાબકતાં એમાંથી ક્યુમિક નામનું કેમિકલ નીચે બેઠેલી ગાયો અને બીજી ત્રણ વ્યક્તિ પર ઊડ્યું હતું. કેમિકલ એટલું જ્વલનશીલ હતું કે ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલા અને બે સગીર યુવતીને ભારે અસર થઈ હતી. ત્રણે અસરગ્રસ્તોને સારવાર માટે 108 મારફત સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ઘટના પર લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. ઘટનાને કારણે લોકોના ટોળાંને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ટોળાંને વિખેરી ટ્રાફિકની સમસ્યાને હલ કર્યો હતો. જર્જરિત પુલને રિપેરિંગ કરવાની તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતાં લોકો પણ ઉશ્કેરાઈ ગયા હતા.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે. અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગેસ-ગળતરની અસર થઈ છે, પણ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

(5:57 pm IST)