Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જેતપુરના દુષ્કર્મ કેસમાં ૯ આરોપીઓને યુવતીએ ઓળખી બતાવ્યાઃ તમામ રીમાન્ડ પર

ભોગ બનનાર યુવતીના બોયફ્રેન્ડને પણ ગોંધી રાખી લુટી લઇ તેના પર હવસખોરોએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ગુજાર્યુ'તુઃ ભાવેશ કોળીની શોધખોળ

જેતપુર તા.૩: શહેરના જેતલસર રેલ્વેબ્રિજ નીચે ફ્રેન્ડ સાથે વાતો કરતી યુવતિને ૯ શખ્સોએ ફોટા પાડી બળજબરીપૂર્વક અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૫ સુધી રીમાન્ડ પર સોપવા હુકમ કર્યો હતો. ઓળખ પરેડમાં તમામ આરોપીઓને યુવતીએ ઓળખી બતાવ્યા હતા.

તાલુકા પોલીસે દુષ્કર્મના કેસમાં આરોપીઓને કડક સજા થાય અને ભોગ બનનારને ન્યાય મળે તે માટે કોર્ટમાં રીમાન્ડ માગતા ૪ દિવસના રીમાન્ડ મંજુર કરાતા પોલીસે મુખ્ય આરોપી બ્રિજરાજ જાડેજા, ઇમરાન યાકુબ પઠાણ, સિકંદર સિદીક પઢીયાર, મહેશ મનસુખ ભુવા, જયેશ વિરંપરી મેઘનાથી, શોભરાજ કિંમતમલ સોમૈયા, અજય જગદિશ ચોૈહાણ, કલ્પેશ અરજણ રબારી, જીજ્ઞેષ રમેશ લોઢવીયા તથા હોટલનો મેનેજર હર્ષ હમીર હુંબલની બનાવ અંગે આકરી પૂછપરછ કરતા યુવતીનું અપહરણ કરી તેના બીભત્સ ફોટા પાડી દુષ્કર્મ આચર્યુ હોવાની ઉપરાંત યુવતીના બોયફ્રેન્ડને આખી રાત તમામ શખ્સોએ ગોંધી રાખી માર મારેલ અને દારૂની મહેફીલ માણી યુવક ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી તેની પાસે રહેલ મોબાઇલ પાકિટ એટીએમ કાર્ડ લુટી લઇ જવા દીધેલ. તે એટીએમ કાર્ડથી રૂ. ૮૦ હજાર ઉપાડી લીધેલ હોવાની કબુલાત આપી હતી.

વૃજ હોટલનો મેનેજર હર્ષ આ શખ્સોને સારી રીતે ઓળખતો હતો તે તેની આ બનાવમાં સંડોવણી છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આરોપી બ્રીજરાજ જાડેજા ઉપર અગાઉ પણ છેડતી, મારામારીના ગુન્હામાં પાસામાં સજા ભોગવેલ છે. સીકંદરમારામારી, મુકેશભુવા પેટ્રોલ ચોરી, શોભરાજ સોમૈયા અને કલ્પેશ રબારી ઉપર દારૂના કેસ નોંધાયેલ છે.

તપાસનીશ અધિકારી પી.એસ.આઇ. એચ.કે. જાડેજાએ જણાવેલ કે આરોપીઓમાં ભાવેશ કોળી હજુ પકડાયો ન હોય તેને પકડવાની તેમજ આ ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ એકટીવા મો.સા. તેમજ એ.ટી.એમ., મોબાઇલ, કપડા કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે. તમામ આરોપીઓને ભોગ બનનાર યુવતીએ ઓળખી બતાવેલ છે.

શાંતિપ્રિય શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુન્હાઓનું પ્રમાણ વધતું જતુ હોય પોલીસ આવા આરોપીઓની સામે કડક વલણ અપનાવે જેથી ભવિષ્યમાં કોઇ આવા ગુન્હાઓ ન આચરે.

(3:42 pm IST)