Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મહુવાના વાઘવદડા પાસેથી દિપડાનો મૃતદેહ મળ્યો

રપ ફુટ ઉંચા નાળા ઉપરથી ખાબકતા મોત નિપજયાનું પ્રાથમિક અનુમાનઃ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ

દિપડાનો મૃતદેહ તથા ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરી રહેલાં વનવિભાગનો સ્ટાફ દર્શાય છે. (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

ભાવનગર તા.૩: મહુવા પંથકમાંથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો છે... રપ ફુટ ઉંચા નાળા ઉપરથી ખાબકવાને લીધે મોત નિપજયાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહયું છે.

વિગત મુજબ મહુવા તાલુકાનાં વાધવદડા ગામ નજીક નાળા નીચે દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ થતાં જ વનવિભાગનાં આર.એફ.ઓ. પી.એમ.ઝાલા એ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી કરી હતી.

દિપડાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી વનવિભાગે કબ્જે લઇ પોસ્ટમોર્ટમ માટે વનવિભાગની હોસ્પિટલે મોકલી આપ્યો હતો.

જોકે, હાલ તો ઊંચાઇવાળા નાળા પરથી કોઇ કારણસર ખાબકતાં દિપડાનું મોત નિપજયાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહયું છે, પરંતુ પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

(11:45 am IST)