Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

સોરઠના સિંહ, ભાજપ-જનસંઘના પાયાના પથ્થર નારસિંહભાઇ પઢિયારનું નિધન

સાંજે ૪ કલાકે સ્મશાનયાત્રા : સરકાર વતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અંતિમયાત્રામાં શ્રધ્ધાંજલિ અર્પણ કરશેઃ ત્રણ પુત્રો સહિતના બહોળા પરિવારને વિલાપ કરતા છોડી ગયા ૮૪ વર્ષની જીવન મંઝીલ દરમિયાન વિવિધ ક્ષેત્રે સેવા-સમાજપયોગી કાર્યો

જુનાગઢ : ભાજપ અને જનસંઘના પાયાના પથ્થર નારસિંહભાઇ પઢિયારનું નિધન થતાં ઘેરો શોક છવાઇ ગયો છે. ઉપરોકત પ્રથમ અને બીજી તસ્વીરમાં નારસિંહભાઇ પઢિયારનો પાર્થિવ દેહ નજરે પડે છે અને તસ્વીરોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહ, પૂ. મોરારીબાપુ સહિત રાજકીય સામાજીક હોદ્દેદારો સાથે નારસિંહભાઇ પઢિયારના ફાઇલ ફોટા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

જૂનાગઢ તા. ૩ : સોરઠના સિંહ તેમજ ભાજપ જનસંઘના પાયાના પથ્થર નારસિંહભાઇ ધનજીભાઇ પઢિયારનું આજે વ્હેલી સવારે નિધન થતાં ગમગીની વ્યાપી ગઇ છે.

૮૪ વર્ષીય નારસિંહભાઇ પઢિયારે સવારે ૩.૪૫ કલાકે જુનાગઢમાં વંથલી રોડ સ્થિત પ્રભુપ્રસાદ એપાર્ટમેન્ટ ખાતેના પોતાના નિવાસ સ્થાને સ્વસ્થ અવસ્થામાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્રણ પુત્રો મહેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહ અને નરેન્દ્રસિંહ તેમજ પુત્રી ગીતાબેન તથા ઇલાબેન સહિતના બહોળા પરિવારને વિલાપ કરતા છોડી જતાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નારસિંહભાઇ પઢિયારની સ્મશાનયાત્રા આજે સાંજે ૪ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. જેમાં ગુજરાત સરકાર વતી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ કૃષિમંત્રી આર.સી.ફળદુ તથા પ્રદેશ નેતા ભીખુભાઇ દલસાણીયા જોડાશે અને શ્રધ્ધાસુમન અર્પણ કરશે. મંત્રી શ્રી ચુડાસમા વગેરે જુનાગઢ આવવા ગાંધીનગરથી હેલિકોપ્ટરમાં આવવા નીકળી ગયા છે.

સ્વ. નારસિંહભાઇના નિધનના સમાચાર મળતા પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય સહિત ભાજપના નેતાઓ, કાર્યકરો, સગા-સ્નેહીઓ વગેરે તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા.

સ્વ. નારસિંહભાઇ પઢિયારના પુત્ર યોગેન્દ્રસિંહ (યોગીભાઇ)એ દુઃખ સાથે અકિલા સાથે વાતચીત કરતા જણાવેલ કે, પિતાશ્રી નારસિંહભાઇ પઢિયાર જનસંઘ અને ભાજપના પાયાના પથ્થર રહ્યા છે. તાલાલાના ધારાસભ્ય તરીકે સેવા આપી ચુકેલા સ્વ. પઢિયારે ૧૯૮૪થી ૧૯૯૦ દરમિયાન જૂનાગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવારત રહ્યા હતા.

આખાબોલા અને ખોટું નહિ ચલાવી લેનારા નારસિંહભાઇ પઢિયારના જયેષ્ઠ પુત્ર મહેન્દ્રસિંહ પઢિયાર કવિશ્રી પણ છે. જ્યારે યોગેન્દ્રસિંહ (યોગીભાઇ) હાલ ભાજપના સનિષ્ઠ યુવા અગ્રણી તરીકે કાર્યરત છે.

પઢિયાર પરિવાર સાથે પારિવારીક સંબંધ - નાતો ધરાવતા અશોકભાઇ ભટ્ટે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, નારસિંહ બાપા સોરઠના સિંહ હતા. તેમની વિદાયથી તેમના પરિવારની સાથે અમને પણ ખૂબ દુઃખ થયું છે. મેં પણ પિતા ગુમાવ્યો હોવાની લાગણી દર્શાવીને તેમણે વધુમાં જણાવેલ કે, નારસિંહ બાપા ૧૯૬૨થી જનસંઘના પૂર્ણકાલીન સભ્ય હતા.

સ્વ. મુખ્યમંત્રી બાબુભાઇ પટેલની સરકારમાં તાલાલાના ધારાસભ્ય રહી ચુકેલા સ્વ. પઢિયારે મીસા વખતે જેલવાસ પણ ભોગવ્યો હતો.

કચ્છના સત્યાગ્રહ વખતે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની આગેવાનીમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. જનસંઘ અને ભાજપના સંગઠનને મજબૂત બનાવવા વિવિધ પદ પર સેવારત રહેલા નારસિંહભાઇ પઢિયાર સૌના પ્રિય નેતા હતા.

સ્વ. પઢિયાર ત્રણ બોર્ડના ચેરમેન તેમજ અન્ય નિગમના ડિરેકટર તરીકે સેવા આપી ચુકેલા નારસિંહભાઇ પઢિયાર સંબંધ રખ્ખુ માનવી હતા. સાલસ, સરળ અને ધર્મ પારાયણ સ્વભાવના નારસિંહભાઇ પઢિયાર કયારેય કોઇની પણ શેહશરમ રાખતા નહિ.

આમ સોરઠના સિંહ નારસિંહભાઇ પઢિયારની વિદાયથી માત્ર સોરઠ જ નહિ સૌરાષ્ટ્ર અને ગુજરાતને રાજકીય, સામાજિક ક્ષેત્રે વર્ષો સુધી ખોટ રહેશે.(૨૧.૧૪)

'અકિલા' પરિવાર સાથે નારસિંહભાઇ પઢીયારનો  દાયકાઓનો નાતોઃ શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટ તા. ૩ :.. ભાજપ અને જનસંઘના અગ્રણી નારસિંહભાઇ પઢિયારનું અવસાન થતા ઘેરો શોક  છવાઇગયો છે.

'અકિલા' પરિવાર સાથે નારસિંહભાઇ પઢિયારને દાયકાઓથી પારિવારિક નાતો છે.

'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, 'અકિલા' ના વેબ એડિશનના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા, અને 'અકિલા' પરિવારે બે મિનીટ  મૌન પાળીને નારસિંહભાઇ પઢિયારને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

(11:43 am IST)