Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

સોરઠમાં ઝાપટાથી અઢી ઇંચ

જુનાગઢ તા.૩: રાત્રે સોરઠમાં ૧૮ ઇંચ વરસાદ બાદ આજે બીજા દિવસે પણ મેઘકૃપા યથાવત રહેતા લોકોમાં ખુશી છવાઇ ગઇ છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતના તાત સહિતના લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા દરમ્યાન ગત મધરાતે સોરઠમાં મેઘસવારી આવી હતી. સોરઠનાં તમામ વિસ્તારોને મેઘરાજાએ રાત્રે ભીંજવ્યા હતા.

માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં મેઘાએ રાત્રે સટાસટી બોલાવતા ૬૩ મીમી પાણી વરસ્યું હતું.

આ જ પ્રમાણે કેશોદ અને માળિયા હાટીના પંથકમાં રાત્રે મેઘ સવારી આવી પહોંચી હતી બંને તાલુકામાં બે ઇંચ મેઘ મહેર થઇ હતી.આ ઉપરાંત વંથલી અને વિસાવદર પંથક ઉપર પણ રાત્રીનાં મેઘાએ હેત વરસાવ્યું હતું બંને તાલુકામાં એક-એક ઇંચ મેઘકૃપા થઇ હોવાના સમાચાર છે.

જુનાગઢ શહેરમાં રાત્રે ૧૧:૩૦ની આસપાસ મેઘાએ ધીમધારે વરસવાનું શરૂ કર્યુ હતું. અને સવાર સુધીમાં ૭ મીમી પાણી પડયાનું નોંધાયું હતું.

આજ પ્રમાણે ભેસાણ અને માણાવદર વિસ્તારમાં પણ રાત્રે હળવાથી ભારે વરસાદનાં ઝાપટા ચાલુ રહેતા આઠ-આઠ મીમી વરસાદ નોંધાયો હતો.

આજે પણ સવારે સોરઠના મોટાભાગમાં વરસાદ ચાલુ છે. પ્રારંભિક બે કલાકમાં કેશોદમાં ૪ મીમી, માણાવદર-૩ અને મેંદરડામાં ૬ મીમી વરસાદ પડયો છે. માણાવદરમાં સવારે વધુ બે ઇંચ વરસાદ ખાબકતા પાણી-પાણી થઇ ગયું છે.

જુનાગઢમાં સવારે ૧૦ વાગ્યે પણ ઝાપટા ચાલુ રહયા છે.

(11:41 am IST)