Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જામનગર જીલ્લામાં જમીન વિષયક કેસોનો ડેટાબેઝ તૈયાર કરાશેઃ રવિશંકર

 જામનગર, તા.૩:    બિનખેતી પરવાનગી, નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવા પ્રિમીયમના કેસોમાં તથા અરજીઓના નિકાલમાં ખૂબ વિલંબ થાય છે. મહેસુલી કચેરીઓ સિવાયની અન્ય કચેરીઓ તથા કેન્દ્ર સરકાર હસ્તકના એકમોની કક્ષાએથી પણ અગત્યના મુદ્દાઓ આધારીત અભિપ્રાય/અહેવાલ મેળવવાના થતા હોય છે.

હાલની પધ્ધતી મુજબ અભિપ્રાય માંગતા આશરે ૨ થી ૩ માસમાં અભિપ્રાય મલતો હોવાથી મુળ અરજીના નિકાલમાં વિલંબ થવાથી કાયદાનું હાર્દ અને નાગરીક અધિકારપત્ર મુજબની સમયમર્યાદા દ્યણીવાર જળવાતી નથી. જેથી છેવટ સુધીની વિગતો સાથેનો ડેટાબેઝ તૈયાર કરવા મહેસુલી કચેરી સિવાયના એકમો જેવા કે, ONGC , NHAI , સ્ટેટ હાઇવે, પુરાતત્વ વિભાગ, એરપોર્ટ ઓથોરીટી, સ્થાનિક નગરપાલીકા, મહાનગરપાલીકા- શહેરી વિકાસ કાર્યાલય સહિતની લાગુ પડતી કચેરીઓને તેઓના કાર્યક્ષેત્રમાં આવતી જમીન વિષયક તથા મહેસુલી પૂર્વ મંજુરીઓને સ્પર્શતી બાબતોને સંલગ્ન હોય તેવી વિગતો અદ્યતન કરવા અંગે કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી.    

મહેસુલી કચેરી સિવાયના એકમોએ તા.૧૫ જુલાઇ ૨૦૧૮ સુધીમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સુચના મુજબની કામગીરી પૂર્ણ કરી નિયત પ્રમાણપત્રમાં વિભાગ/કચેરીના જિલ્લા કક્ષાના વડાની સહીથી જ મોકલવા કલેકટરશ્રી રવિ શંકર દ્વારા સંલગ્ન વિભાગોના અધિકારીઓને જણાવ્યુ હતુ. લાગુ પડતી વિગતો કે મહેસુલી રેકર્ડ અદ્યતન દુરસ્તી કરવાની બાકી રહી જવાના કિસ્સામાં અથવા અધુરી કે અસ્પષ્ટ માહિતીનો ડેટાબેઝ જિલ્લા કક્ષાએથી એકત્ર થવાના કિસ્સામાં અથવા તા. ૧૫ જુલાઇ ૨૦૧૮ સુધીમાં જે તે સંસ્થાના હિતની નોંધ ન થવાના કિસ્સામાં સંબંધિત ખાતા/ કચેરી/વિભાગોની વિગતો મુજબ અને તે આધારે મહેસુલી નિર્ણયો થવા પામશે તો તે અંગે બિનમહેસુલી કચેરીના અધિકારીશ્રીઓ જવાબદાર રહેશે.        

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રસશ્તિ પારિક, નિવાસી અધિક કલેકટરશ્રી કેલૈયા તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:31 am IST)