Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ગિરનાર અને ભવનાથ તળેટીને પ્લાસ્ટિકમાંથી કાયમી મુકિત આપવા આયોજન કરાશેઃ વિભાવરીબેન દવે

જૂનાગઢ, તા.૩: સ્વચ્છતા ત્યાં પ્રભુતા મુજબ ગિરનારમાં દેવી-દેવતાઓ બિરાજમાન હોય અને આ સ્થળ પ્લાસ્ટિક ના પ્રદુષણ થી મુકત રહે તે માટે લોકોને જાગૃત કરી સ્થાનિક વેપારીઓ, સાધુ-સંતો, સંસ્થાઓ અને સામાજિક રાજકીય અગ્રણીઓ સાથે પરામર્શ કરીને ગિરનાર અને ભવનાથ તળેટીમાં બિનજરૂરી રીતે જરા પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે આયોજન કરવા યાત્રાધામ વિભાગના રાજયમંત્રી શ્રી વિભાવરીબેન દવે એ સ્થાનિક તંત્રને સૂચના આપી છે. ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના અધ્યક્ષ અને રાજય મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ ગઈકાલે ગિરનાર વિકાસ મંડળની મીટીંગ પૂર્ણ કર્યા બાદ ભવનાથ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓએ ચાલી રહેલી રોપ વેની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. ભવનાથ વિસ્તારમાં આવતા તેમજ ગિરનાર માં આવતા યાત્રિકો દ્વારા પ્લાસ્ટિકનો નહિવત વપરાશ થાય અને આ અંગે એક કાયમી આયોજન થાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું .સૌપ્રથમ મહાનગરપાલિકા અને ત્યાર પછી જિલ્લાતંત્ર અને જરૂર પડે રાજયકક્ષાએથી પણ જાહેરનામા સહિતની કાર્યવાહી અને એ પૂર્વે લોકોને સંસ્થાઓ તેમજ વેપારીઓને જાગૃત કરવા માટે એક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર પ્રકાશ સોલંકીએ જણાવ્યું હતું કે આગામી અઠવાડિયામાં ભવનાથ અને ગિરનાર વેપારીઓને બોલાવીને ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં તેમજ અન્ય કોઇ પણ રીતે પ્લાસ્ટીકનો ઉપયોગ ન થાય તે માટે સમજાવવામાં આવશે.ત્યાર પછી લોકોને જાગૃત કરતા કાર્યક્રમો યોજયા બાદ પ્લાસ્ટિક પર કાયમી નિયંત્રણનું આયોજન કરવામાં આવશે. જિલ્લા કલેકટર સૌરભ પારધી એ  પણ જણાવ્યુ હતુ કે લોકજાગૃતિ પછી જરૂર પડે નિયમોની અમલવારી કરી ને પણ ભવનાથના પ્રદૂષણ મુકત રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. લોકોને મુશ્કેલી ન પડે અને ભવનાથ વિસ્તાર વધુ સુંદર અને સ્વચ્છ રહે તે માટે સૌપ્રથમ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી અને વ્યવસ્થાઓ તેમજ જરૂરિયાતો અંગે ચર્ચા-વિચારણાને પછી યોગ્ય નિર્ણય લેવાશે. પ્લાસ્ટિકની જે બાબતો અંગે અતિ આવશ્યકતા હોય તેને મુકિત અપાવી આવા કચરાનું એકત્રિકરણ રોજેરોજ થઈ જાય અને બિનજરૂરી રીતે થતાં પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણ આવે તે રીતે આયોજન કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.

  મંત્રીશ્રીએ  ભવનાથમાં મહંત શ્રી ભારતીબાપુ હો શેરનાથબાપુના આશ્રમની પણ મુલાકાત લઇ દર્શન કર્યા હતા.

ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના સભ્ય શ્રી મહેન્દ્ર મશરુ, શ્રી શૈલેષભાઇ દવે અને શ્રી પ્રદિપભાઇ ખીમાણી જણાવ્યું હતું કે જરૂરી આયોજન થઈ જાય એટલે યાત્રિકો અને લોકો અને વેપારીઓ પ્લાસ્ટિકનો વપરાશ  બંધ કરવા સહકાર આપશે. દામોદર કુંડમાં પણ શુદ્ઘ પાણી નો ભરવામાં આવે  અને પાણી વહેતું રહે તેવું આયોજન કરવા મંડળના  સૂચન સ્વીકારવામાં આવ્યા હતાં.

(11:30 am IST)