Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પૂ. મોટા પુષ્પાબાઈ મહાસતિજી કાળધર્મ પામ્યાઃ પાલખી યાત્રા નિકળીઃ કાલે ગુણાનુવાદ

ગોંડલ સંપ્રદાયના પૂ.રાજેશ મુનિ મ.સ.ના આજ્ઞાનુવર્તી

રાજકોટ,તા.૩: ગોંડલસંપ્રદાયના પૂ.ગુરૂ ભગવંત રાજેશમુનિ મ.સાના આજ્ઞાનુવર્તી પૂ.મોટા પુષ્પાબાઈ મ.સ.આજરોજ સોમવાર તા.૨ના રોજ રાત્રે લગભગ ૭: ૪૦ કલાકે સમાધિભાવે કાળધર્મ પામેલ છે. પૂ.મોટા પુષ્પાબાઈ મહાસતિજી ૮૩ વર્ષના માનવ જીવનમાં ૫૮ વર્ષનું સુદીર્ઘ સંયમ જીવનનું પાલન કરી સંથારા સહિત કાળધર્મ પામેલ છે. પૂ.ભવ્ય મુનિ મ.સાહેબે તેઓની અંતિમ સમયની આરાધના સાથે અનશન વ્રતના પચ્ચખાણ કરાવેલ હતાં. અત્રે નોંધનીય છે કે પૂ.ગુરૂદેવ રાજેશ મુનિ મ.સા. જામનગર ચાતુર્માસાર્થે વિહાર કરતાં પૂર્વે ઋષભદેવ સંઘમાં પૂ.મોટા પુષ્પાબાઈ મ.સ.ને આલોચનાદિ વિધી કરાવેલ.

પૂ.ગુરૂદેવ રાજેશ મુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.ભવ્ય મુનિ મ.સા., પૂ.હર્ષ મુનિ મ.સા.,પૂ.રત્નેશ મુનિ મ.સા. કાલે સવારે ઋષભદેવ ઉપાશ્રયે પધારી ગયેલ.ર્ં

ઋષભદેવ ઉપાશ્રય ખાતે બીરાજમાન પૂ.નાના પુષ્પાબાઈ મ.સ., પૂ.કુસુમબાઈ મ.સ.,પૂ.ચંદનબાઈ મ.સ.,પૂ.અર્પિતાજી મ.સ.આદિ દરેક સતિવૃંદે પૂ.ગુરૂણી મૈયા મોટા પુષ્પાબાઈની અગ્લાન ભાવે સેવા - વૈયાવચ્ચ કરેલ.

તા.૨૧/૬/૧૯૬૧ ના રોજ જામનગર ચાંદી બજાર સંઘમાં જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર પુષ્પાબાઈ મ.સ.એ સંસારી અવસ્થાનું અંતિમ વકતવ્ય આપતા કહેલ કે '' ખણમિતા સુખા,બહુ કાલ દુખ્ખા '' એટલે કે સંસારમાં ક્ષણ માત્રનું માત્ર માની લીધેલુ સુખ છે અને મોટા ભાગનો સમય દુઃ ખમય હોય છે. તેઓની દીક્ષા ગોંડલ સંપ્રદાયના સ્વ.પૂ.હીરાબાઈ મ.સ.ની નિશ્રામાં થયેલ.તેઓને કરેમિ ભંતેનો પાઠ લીબંડી ગોપાલ સંપ્રદાયના પૂ.નિલમબાઈ મ.સ.એ ભણાવેલ. પૂ.પુષ્પાબાઈ મ.સ.પૂ.રાજેશમુનિ મ.સા. ના આજ્ઞાનુવર્તી સાધ્વીજીઓમાં સૌથી વડીલ હતા.

તેઓનો જન્મ રત્નકુક્ષિણી માતુશ્રી દયાબેન અને ધર્મ પરાયણ પિતા રવિચંદભાઈ મહેતા પરીવારના ખાનદાન ખોરડે નાના એવા ખિલોસ ગામમાં થયેલ. તા.૨૧/૧/ ૧૯૬૧ ના રોજ માત્ર ૨૫ વર્ષની ભર યુવાન વયે જામનગર મુકામે ચાંદિ બજાર સંઘમા તેઓએ  સંયમ ધર્મનો સ્વીકાર કરેલ. લગભગ ૮૩ વર્ષના માનવ જીવનમાં ૫૮ વર્ષ સુધી ગુરૂ આજ્ઞા અને જિનાજ્ઞામય તેઓએ સંયમ જીવન વ્યતિત કરી જિન શાસનની જબરદસ્ત શાસન પ્રભાવના કરેલ. ઋષભદેવ સંઘના અગ્રણી મનોજભાઈ શાહ કહ્યું કે હાલાર તથા સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં તેઓએ વિચરણ કરી જિન શાસનની આન- બાન અને શાન વધારેલ. વર્ષો સુધી રાજકોટ મોટા સંઘ સંચાલિત બોદ્યાણી શેરી ઉપાશ્રયમાં ૨૮ વર્ષના સ્થિરવાસ દરમ્યાન વિરાણી પૌષધશાળાને અપૂર્વ લાભ આપેલ. છેલ્લા થોડા વર્ષોથી તેઓ ઋષભદેવ સંઘમા આરોગ્યને કારણે સ્થિરવાસ હતાં. અંતિમ શ્રાસોશ્રાસ સુધી પરમાત્માની આજ્ઞાનું પરીપૂર્ણ પાલન કર્યું.

આજરોજ સવારના ઋષભદેવ ઉપાશ્રય ખાતેથી ''જય જય નંદા,જય જય ભદા'' ના પ્રચંડ જયઘોષ સાથે પાલખી યાત્રા નીકળેલ. પાલખી યાત્રામાં પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ,નટુભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, શિરીષભાઈ બાટવીયા,મધુભાઈ ખંધાર,કિશોરભાઈ સંઘાણી,દિનેશભાઈ દોશી,રાજુભાઈ બાટવીયા, ભરતભાઈ દોશી, મુળવંતભાઈ સંઘાણી, પ્રતાપભાઈ મહેતા,  એડવોકેટ જિગ્નેશભાઈ શાહ,સુશીલભાઈ ગોડા,હિતેનભાઈ અજમેરા,મુકેશભાઈ બાટવીયા,યોગેશભાઈ શાહ,બિપીનભાઈ પટેલ સહિત વિશાળ પ્રમાણમાં શ્રાવક - શ્રાવિકાઓ જોડાયેલ.

શાસન ચંદ્રિકા ગુરૂણી મૈયા પૂ.હિરાબાઈ મ.સ.ના સુશિષ્યા તપસ્વી રત્ના પૂ.સ્મિતાબાઈ મ.સ., પૂ.ગુરૂદેવ ધીરજ મુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.વીણાબાઈ મ.સ.,  પૂ.સ્વાતિબાઈ મ.સ. કાઉસગ્ગ વિધીમાં ઉપસ્થિત રહેલ તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

પૂ.મોટા પુષ્પાબાઈ મ.સ.ની ગુણાનુવાદ સભા આવતી કાલે સવારના ૯ કલાકે શાશ્વત એપાર્ટમેન્ટના પરિસરમાં,પારસ હોલ સામે,રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે તેમ ઋષભદેવ સંઘના અગ્રણી દિપકભાઈ મોદીએ જણાવેલ છે.

(11:29 am IST)