Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

બોટાદના રાણપુરની ધી જન્મભૂમિ હાઇસ્‍કૂલના શિક્ષકની બદલીના વિરોધમાં ૯૦૦ વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ

બોટાદઃ બોટાદ જિલ્લાના રાણપુરની ધી જન્મભૂમિ હાઇસ્કૂલના 900 જેટલા વિદ્યાર્થીઓ એક શિક્ષકની બદલી રોકવા માટે ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે.

રાણપુરની આ હાઈસ્કૂલના એક શિક્ષક વનરાજસિંહની બદલી થઈ હોવાથી તેને રોકવા માટે વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. શિક્ષકને પોતાના ગામમાં જ આચાર્યની પોસ્ટ પર બઢતી મળી હોવાથી તેઓ પોતાના ગામ જઈ રહ્યા છે. તેનો વિરોધ કરતા સ્કૂલના વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતરીને શિક્ષકની ટ્રાન્સફર ન કરવાની માંગણી કરી રહ્યા છે. સોમવારે વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર જ હાથમાં પ્લેકાર્ડ લઈને ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. વિદ્યાર્થીઓએ સ્કૂલના શિક્ષકની બદલી ન કરવા સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

સ્કૂલની એક વિદ્યાર્થિનીએ આ અંગે જણાવ્યું હતું કે, "વનરાજસિંહ ચાવડા અહીં વર્ષોથી ફરજ બજાવે છે. જો તેમની બદલી રોકવામાં નહીં આવે તો ગુરુવાર સુધી સ્કૂલ ખોલવા દેવામાં નહીં આવે તેમજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે."

વિદ્યાર્થીઓને જ્યારે ખબર પડી હતી કે તેમના મનપસંદ શિક્ષકની બદલી થઈ રહી છે ત્યારે અનેક બાળકો રડી પડ્યા હતા. સ્કૂલના 900 જેટલા બાળકોએ શિક્ષકની બદલીના વિરોધમાં, "જબતક સૂરજ ચાંદ રહેગા, વનરાજ સર કા નામ રહેગે," "નહીં ચલેગી નહીં ચલેગી કિસી કી દાદાગીરી નહીં ચલેગી,"" હમારી માંગે પૂરી કરો"ના નારા લગાવ્યા હતા. હડતાળ બાદ શિક્ષકે બાળકોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેઓ તેમની બદલી ન કરવામાં આવે તેવી માંગણી પર અડગ રહ્યા હતા.

આ અંગે સ્કૂલના શિક્ષક વનરાજસિંહે જણાવ્યું હતું કે, "હાલમાં આચાર્યની જગ્યાની ભરતી આવી છે. મારા ગામના લોકોની એવી ઈચ્છા છે કે હું મારા ગામમાં આવેલી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું. હું પણ મારી બદલી કરીને મારા ગામ જવા માગું છું. વિદ્યાર્થીઓને આ વાતની ખબર પડતા તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. વિદ્યાર્થીઓની હડતાલ બાદ હું પણ ધર્મ સંકટમાં મૂકાયો છું. મેં આ સંસ્થામાં 17 વર્ષ સુધી જીવ રેડ્યો છે. હવે મારી ઈચ્છા છે કે હું મારા વતનમાં જઈને મારી સંસ્થા અને મારા ગામના બાળકો માટે કંઈક કરું."

(5:26 pm IST)