Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કચ્‍છના નાના રણમાં વધુ ૪ ઘુડખરના હાડપીંજર મળ્‍યાઃ બે દિ'માં ૭ ઘુડખરના મોત

વાઈલ્‍ડ લાઈફ એક્‍ટ અને વન્‍ય પ્રાણી અભ્‍યારણ્‍યમાં ભૂ માફિયાઓ કબજો કરી પ્રાણીઓ મારવાની દવા નાખતા હોવાની ચર્ચાઃ વનવિભાગમાં દોડધામ

(વિનોદ ગાલ દ્વારા) ભુજ, તા.૩: કચ્‍છના નાના રણમાં કચ્‍છ અને બનાસકાંઠાના સાંતલપુર રોઝા વચ્‍ચે વધુ ૪ ઘુડખરના કંકાલ મળી આવ્‍યા છે. રવિવારે ૩ કંકાલ મળ્‍યા હોઈ અત્‍યાર સુધી ૭ ઘુડખરના કંકાલ મળ્‍યા છે.

ઘુડખર એટલે જંગલી ગધેડા, વાઈલ્‍ડ એસ એ રક્ષિત પ્રાણીઓમાં આવે છે. આ જંગલી ગધેડાઓ ને કારણે નાના રણને સેન્‍ચૂરી ઘોષિત કરાઈ છે. દરમ્‍યાન બન્ને વખત મળી આવેલ કંકાલ ૧૫ દિવસથી વધુ જૂના હોઈ તેમનું પીએમ શક્‍ય ન હોવાનું વન વિભાગનું કહેવું છે. જોકે, રણમાં આ જંગલી ગધેડાઓ ના મોતનું કારણ પાણીની તરસ નહી પણ ખોરાકી ઝેર હોવાની ચર્ચા છે.

સાંતલપુરના વાઈલ્‍ડ લાઈફ એકટીવિસ્‍ટ કનૈયાલાલ રાજગોરના જણાવ્‍યા પ્રમાણે અહી ૧૦ હજાર એકર જમીન ઉપર ભૂ માફિયાઓનો કબજો છે અને કેટલાક ખેડૂતો પ્રાણીઓ મારવાની દવા નાખે છે. જોકે, આથી અગાઉ કચ્‍છના મોટા રણમાં હાઈ ટેન્‍શન વીજ લાઈનના કારણે ફ્‌લેમિંગોના મોત નિપજવા ના બનાવ, પવનચક્કી ઓમાં અથડાઈને મૃત્‍યુ પામતા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત માં નિયમોની ઐસીતૈસી ઉપરાંત નલિયા દ્યોરાડ અભ્‍યારણ્‍ય, જંગીમાં ઊંટ માટેની ચરિયાણ જમીન ઉપર વધતી જતી ભૂ માફિયાઓની પ્રવૃત્તિ પછી હવે એક સાથે ૭ ઘુડખરના મોત ચર્ચામાં છે.

(11:19 am IST)