Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

સવારે લાકડા વીણવા ગયેલા ગોંડલના વાછરા ગામના વાલીબેન વણકરની સાંજે લાશ મળીઃ હત્યાની દ્રઢ શંકા

વાડી માલિકે લાકડા વિણવા મામલે માર માર્યાનો આક્ષેપઃ પોલીસે પુછતાછ આદરીઃ મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૩: ગોંડલ તાબેના વાછરા ગામે રહેતાં વણકર મહિલા વાલીબેન મનુભાઇ મકવાણા (ઉ.૫૫) ગઇકાલે સવારે ગામની સીમમાં લાકડા વીણવા ગયા બાદ સાંજે તેમની લાશ સીમમાંથી મળતાં પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.

જાણવા મળ્યા મુજબ વાછરા રહેતાં વાલીબેન સવારે દસેક વાગ્યે ઘરેથી બળતણ માટેના લાકડા વીણવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં. બપોર સુધી તેઓ ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. શોધખોળ ચાલુ જ રાખી હતી ત્યારે સાંજે છએક વાગ્યે ગામની સીમમાં વોંકળા નજીક ગાડા માર્ગ પરથી વાલીબેનની લાશ મળી હતી.

પરિવારજનોના કહેવા મુજબ વાલીબેનના ચપ્પલ લાશ મળી ત્યાંથી પંદરેક ફુટ દૂર પડ્યા હતાં. લાકડાની ભારી પણ દૂર હતી. તેમજ વાલીબેનની લાશ ઉંધી પડી હતી અને મોઢુ જમીનમાં દબાયેલુ હતું. પગમાં મારના નિશાન જોવા મળ્યા હતાં. લાશ જે રીતે મળી તે જોતાં હત્યા થયાની દ્રઢ શંકા ઉદ્દભવી હતી.

ગોંડલ પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડી છે. મૃતક વાલીબેનના પતિ મનુભાઇ રાણાભાઇ મકવાણા છુટક મજૂરી કરે છે. તેમને સંતાનમાં બે પુત્ર ભરત (ઉ.૩૦) અને સંજય (ઉ.૨૫) છે.

પરિવારજનોએ એવું પણ જણાવ્યું હતું કે જ્યાંથી લાશ મળી ત્યાં નજીકમાં જેની વાડી છે એ વાડીના માલિકે લાકડા વિણવા બાબતે કે અન્ય કારણોસર મારકુટ કર્યાની અમને દ્રઢ શંકા છે. પોલીસે શંકાને આધારે આ વાડી માલિકની પુછતાછ શરૂ કરી છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ ગોંડલ તાલુકા પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(3:21 pm IST)