Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

સૌરાષ્‍ટ્રમાં ગરમીનો કહેર : ગરમ-લુ વરસી-અસહ્ય બફારો

સતત પાંચમા દિવસે તાપમાન ૪૪ ડીગ્રીથી વધુ પહોંચતા સૌરાષ્‍ટ્રમાં બપોરે કર્ફયુ જેવો માહોલ : ૭૦ ટકાથી વધુ ભેજ અને ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવનો ફુંકાતા લુ વરસી

સૌરાષ્‍ટ્રમાં ગરમી કાળો કહેર વરસાવી રહી છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તે તસ્‍વીરમાં દર્શાય છે. (તસ્‍વર : વિપુલ હીરાણી-ભાવનગર)

રાજકોટ, તા. ૩ : આજે સતત પાંચમાં દિવસે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીથી વધુ રહ્યો  હતો. ગઇકાલે  રવિવારે પણ રાજકોટ સહિત અનેક શહેરોમાં ૪૪ ડીગ્રીથી વધુ તાપમાન પહોંચતા ગરમી અને બફારાથી લોકો તોબા પોકારી ઉઠયા હતાં.

સૌરાષ્‍ટ્રમાં અનેક સ્‍થળોએ ભેજનું પ્રમાણ ૭૦ ટકાથી વધુ રહેતા અસહ્ય બફારો હતો જયારે ૩૦થી ૪૦ કિ.મી.ની જડપે પવનો ફુંકાતા ગરમ લુ વરસી હતી.

જામનગર

જામનગરમાં આજે તાપમાન ૩૭ ડીગ્રી જેટલુ હતું, પરંતુ ભેજ ૮૮ ટકા રહેતા લોકો પરસેવે રેબઝેબ થયા હતાં.

ભાવનગર ગરમ લુ ફેંકાઇ

ભાવનગર : ભાવનગરમાં ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. આજે શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૩ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૮.૪ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા અને પવનની ઝડપ ૩૪ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જુનાગઢમાં ભેજ વધતા બફારો

જુનાગઢ : જુનાગઢમાં ભેજ વધતા સવારથી બફારો છવાય ગયો છે.

રવિવારે જુનાગઢનું મહત્તમ તાપમાન ૩૯.પ ડીગ્રી રહ્યા બાદ આજે સવારે ર૮ ડીગ્રી લઘુતમ તાપમાન સાથે ગરમી પડવી શરૂ થઇ ગઇ છે.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૦ કિમીની રહેતા બફારો વધ્‍યો છે.

(12:35 pm IST)