Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

સાવરકુંડલા સુર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક મંડળને સ્કુલ બસ અર્પણ

એલઆઇસીના ૫૦ વર્ષ પુર્ણ થયા એ નિમિતે રચાયેલ જાહેર ટ્રસ્ટ છે. સમગ્ર દેશમાં ગોલ્ડન જયુબેલી ફાઉન્ડેશન દ્વારા જૂદી જૂદી સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓને જરૂરી સહાય પુરી પાડવામાં આવે છે. ચાલુ વર્ષે સાવરકુંડલાની શિક્ષણક્ષેત્રે કાર્યરત સંસ્થા શ્રી સુર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક મંડળ સાવરકુંડલાને સ્કુલબસ ભેટ આપવામાં આવી છે. આ શૈક્ષણિક સંસ્થા દ્વારા દૂર અંતરીયાળ ગામડાઓમાં રાહતદરે સ્કુલબસ સેવા પૂરી પાડવામાં આવે છે.સંસ્થાના આ અભિયાનને કારણે દૂરના ગ્રામ્ય વિસ્તારના વાહનવ્યવહારની અગવડતાને કારણે અધૂરો અભ્યાસ છોડી દેનાર દિકરીઓમાં ખાસ ઘટાડો જોવા મળ્યો છે અને ડ્રોપઆઉટ રેશીયો ઘટયો છે. સંસ્થાની પોતાની સ્કુલબસને કારણે વાલીઓને સલામતીનો વિશ્વાસ બંધાયો છે. આ બાબતથી પ્રેરાઇને એલઆઇસી દ્વારા વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારને ઉપયોગી થવા સ્કુલબસ ભેટ આપવામાં આવી છે. ટ્રસ્ટાર્પણ કાર્યક્રમમાં એલઆઇસી ઓઇ ઇન્ડિયાના ભાવનગર ડીવીઝન સીનીયર ડીવીઝનલ મેનેજર રામક્રિષ્ના કે.પી. માર્કેટીંગ મેનેજર અમૃત જિંગર, બ્રાંચ મેનેજર હિતેન્દ્ર મેવાડા, ડેવલપમેન્ટ ઓફીસર પારૂલ ગાંધીએ સ્કુલબસની ચાવી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ બી.ખુમાણ (બાપુસર)ને અર્પણ કરી હતી. આ તબકકે ખાસ આર્શિવચન આપવા બાઢડાના સનાતન આશ્રમના પ.પુ.માતાજી જયોતિમૈયાજી, કાના તળાવ શિવદરબાર આશ્રમના પ.પુ.ઉષામૈયાજી, માનવમંદિર મહંત ભકિતરામજી બાપુ વગેરેએ ઉપસ્થિત રહી રાજીપો વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પુર્વ વિદ્યાર્થીઓ જેમા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેનુ નામ લોકગાયિકા તરીકે શિરમોર છે તેવી કુમારી આશા કારેલીયાએ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી હતી.સંસ્થાના બીજા પૂર્વ વિદ્યાર્થી કે જેનું નામ આજે સમગ્ર ગુજરાતમાં જાદુક્ષેત્રે ગુંજી રહ્યુ છે તેવા જાદુગર વેતાલે પોતાની જાદુઇ કરામતો રજૂ કરી હતી. આ તબકકે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સન્માનવામાં આવ્યા હતા. આભારવિધી પ્રિન્સીપાલ જી.એમ.રાવલ દ્વારા કરાઇ હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના શિક્ષક અમૃતભાઇ પરમારે ખૂબ જ રસાળ શૈલીમાં કર્યુ હતુ. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા એલઆઇસી મેમ્બર દિનેશ કારીયાએ જહેમત ઉઠાવી હતી.

(11:31 am IST)