Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

જળસંગ્રહ અભિયાનને એક ઉત્સવની જેમ ઉજવી વરસાદી પાણીને બચાવીએઃ મનસુખભાઇ માંડવિયા

ભેંસાણમાં લોકસહયોગ વચ્ચે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ : જળ એજ જીવનના સૂત્રને સાર્થક કરવા પાણીનો : કરકસરપૂર્વક ઉપયોગ કરીએઃ મુળુભાઇ બેરા : જળસંગ્રહ અભિયાનમાં દાતાઓ આગળ આવેઃ ગોરધનભાઇ ઝડફિયા

જૂનાગઢ તા.૩ : ભેંસાણમાં આજે કેન્દ્રીય રાજય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે સુજલામ સુફલામ જળ સંગ્રહ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભેંસાણ ગ્રામ પંચાયત અને દાતાઓના સહયોગથી ભેંસાણમાં પાંચ તળાવો  ઉંડા ઉતારવામાં આવશે.ભેંસાણમાં નારાયણ સરોવરને લોક ભાગીદારીથી  ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે પાણી આપણા જીવનનો હિસ્સો બની ગયું છે. પાણીનો વધારે પડતો ઉપયોગ અને જોઇએ તેવી કરકસર ન  થતા ઘણા વિસ્તારોમાં પાણીની ખેંચ જોવા મળે છે. પાણીના સંગ્રહ માટે સરકારે તા.૧ મે ગુજરાત સ્થાપના દિનથી જળ અભિયાન હાથ ધર્યું છે. તેમાં સૌ કોઇ સહયોગ આપે અને તન મન અને ધનથી આ અભિયાનમાં જોડાઇ કર્તવ્ય બજાવે તો પાણીની સમસ્યા રહેશે નહી તેમ પણ કહયું  હતું.

ભેંસાણમાં લોક જાગૃતિને બિરદાવતા મંત્રી શ્રી માંડવીયાએ ભેંસાણના ત્રણ પરિવારોએ તેમના સ્વજનોના નિધન પાછળ કારજનો ખર્ચ ટુંકાવીને તળાવને ઉંડુ કરવા માટે ફાળો આપ્યો છે તે સમાજ માટે પ્રેરણા  આપનાર સદકાર્ય છે તેમ જણાવી આવો વિચાર આવવો તે સરાહનીય છે તેમ જણાવી સદગતના આત્માને શાંતિ મળશે તેમ કહયું હતું. સ્વજનની યાદ કાયમ રહેશે અને પશુ પંખી પણ પાણી પીશે ત્યારે પરિવારજનોને ખુશી થશે તેમ જણાવ્યું હતુ.

આ તકે શ્રી ગોરધનભાઇ ઝડફિયાએ કહયું કે, સરકાર પાણી માટેના અભિયાનમાં ૫૦ ટકા ફાળો આપશે. માટી લઇ જવાની છુટ આપવામાં આવી છે. શ્રી ઝડફિયાએ ભેંસાણ તાલુકામાં લોકોને સમજાવી લોક ફાળો લઇ તળાવ ઉંડા કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે  ગ્રામ ગૃહ નિમાણ બોર્ડના અધ્યક્ષશ્રી મુળુભાઇ બેરાએ કહયું કે  રાજય સરકારે રાજયમાં તળાવો અને ચેકડેમ બનાવી દીધા છે તેમા પણ લોક સહયોગ મળ્યો હતો. પાણી ભરાતા  ખેડૂતોને ફાયદો પણ થયો છે. હવે આ તળાવો ઉંડા ઉતારવાનો સમય આવી ગયો છે. તળાવો ઉંડા ઉતરશે તો પાણીનો સંગ્રહ થશે.

આ તકે ભેંસાણના સરપંચ શ્રી ભુપતભાઇ ભાયાણીએ સૌનું સ્વાગત કરી ગામમાં લોક સહયોગથી થનાર જળ અભિયાન અંગેની માહિતી આપી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, પુર્વ મંત્રી શ્રી કનુભાઇ ભાલાળા,શ્રી કિરીટીભાઇ પટેલ, પ્રદિપભાઇ ખીમાણી, જયોતીબેન વાછાણી તેમજ કલેકટર શ્રી સૌરભ પારધી, ડીડીઓ શ્રી પ્રવીણ ચૌધરી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:27 am IST)