Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

વાંચનનું મહત્વ વધારવા પુસ્તક સમીક્ષા પુસ્તક મેળા વિ. આયોજન ખૂબ જરૂરી

માણાવદર, તા. ૩ : અત્રે ગુજરાત સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ડો. કૃણાલ પંચાલ, ઇમ્તિયાઝ કાઝી અને ચિંતન જાની તથા સાહિત્ય પ્રેમીઓ દ્વારા સાહિત્ય મંચની સ્થાપના કરવામાં આવી હતી. માણાવદર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાત સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવા માટે સાહિતય પ્રેમીઓ એકત્ર થયા હતા. વિશ્વની તમામ સંસ્કૃતિઓ તેની ભાષા અને સાહિત્ય થકી જ વિકસી અને પ્રસિદ્ધ પામી છે ત્યારે ભાવી પેઢીને ગુજરાતી ભાષા-સાહિતય અને પુસ્તકોથી પરિચિત કરવા, વાંચન કરતા કરવાના શુભ આશયથી સાહિત્ય મંચની રચના કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં સાહિત્ય મંચ વિષે પૂર્વભૂમિકા ઇમ્તિયાઝ કાઝીએ રજૂ કરી હતી. સાહિત્ય મંચના ઉદેશ્યને સ્પષ્ટ કરતા ડો. કૃણાલ પંચાલે સમાજમાં વાંચનનું મહત્વ વધારવા પુસ્તક સમીક્ષા, પુસ્તક મેળાઓ, કવિ સંમેલન તથા સાહિત્ય ગોષ્ઠીઓનું ભાવી આયોજન કરવાની વાત રજૂ કરી હતી.

ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓએ વિવિધ પુસ્તકોની સમીક્ષા રજૂ કરી હતી. જેમાં દક્ષેશ ભોજાણીએ જય હો, ભરતભાઇ કાચાએ શિક્ષાપત્રી, વિદ્યાબેને પ્રેરણાના પુષ્પો, પંકજ જીંજુવાડીયાએ પુશિંગ ટુ ધ ફ્રન્ટ, ચિંતન જાની એ રંગ કસુંબલ ગુજરાતી, ડો. પંચાલે સાગરપંખી પુસ્તક વિષે સમીક્ષા રજૂ કરી હતી. આ ઉપરાંત સહુએ માણાવદર વિસ્તારના સાહિત્યકારો રાજેન્દ્ર શુકલ, વિષ્ણુ પંડયાને ગૌરવભેર યાદ કર્યા હતાં.

આ અનોખા વિચાર અભિયાનનેસફળ બનાવવા માટે દર મહીનાના એક રવિવારે પુસ્તક સમીક્ષ માટે એકઠા થઇ વધુમાં વધુ લોકોને ગુજરાતી સાહિત્યથી અભિમુખ કરવા સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અગ્રણી શાળા સંચાલકો, શિક્ષકો, બુદ્ધિજીવી નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(11:24 am IST)