Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જેતપુર ભાદર નદીમાં ઝેરી કેમીકલયુકત પાણી મુદ્દે વિજીલન્સ ટીમ દ્વારા સેમ્પલ લેવાયા

જેતપુર, તા., ૩: શહેરની ધોળી નસ સમો સાડી ઉદ્યોગ લોકોને રોજગારી પુરી પાડે છે પરંતુ ભારોભાર પ્રદુષણ પણ ફેલાવતુ હોય લોકોના સ્વાસ્થ્યને હાની પહોંચી છે. ઝેરી કેમીકલ યુકત પાણીથી નહી નાળાના જીવો મરી જાય છે અને આવુ પાણી જમીનમાં ઉતારી દેવા જમીન બીન ઉપજાવ બની જાય છે અને પાણીના તળ લાલ થઇ ગયા છે. આ સમસ્યાથી વાજ આવી જઇ અવાર નવાર લોકો દ્વારા આંદોલનો કરવામાં આવે તો તેને કોઇ પણ નિતીરીતીથી દબાવી દઇ અથવા તો સમજાવી દઇ પ્રદુષણ ફેલાવવાનું તો ચાલુ જ રાખે છે.

ઐતિહાસીક ભાદર નદીનું પાણી પવિત્ર માની તેમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થતું પરંતુ હાલ આ નદીમાં પાણી ઉપરવાસ બહુ વરસાદ થાય તો બેફામ વહે છે. બાદમાં કારખાનાઓના ઝેરી કેમીકલયુકત પાણીથી ભરાયેલુ રહે છે. જેથી નદીને ગંદકીનું ગ્રહણ લાગી ગયું છે.

આ અંગેનો અહેવાલ થોડા દિવસ પહેલા અખબારોમાં પ્રસિધ્ધ થતા નિંદ્રાધીન તંત્ર સફાળુ જાગ્યુ અને ગકાલે વીજીલન્સની ટીમ જેતપુર પહોંચી સરપ્રાઇઝ ચેકીંગ કરેલ. જેમાં ભાદર નદીના જુદી જુદી જગ્યાના પાણીના નમુના લેવાયા. હવે જોવાનું એ છે કે આ નમુના લેબોરેટરીમાં પહોંચી યોગ્ય રીપોર્ટ આવશે? કેમ કે દરેક વખતે પાણીના નમુના લેવાય તો છે. પરંતુ લેબોરેટરીમાં તે પાણી કોમેસ્ટીક હોવાનું બહાર આવે છે. જેથી એવો રીપોર્ટ આવશે? કેમ કે દરેખ વખતે પાણીના નમુના લેવાય તો છે પરંતુ લેબોરેટરીમાં તે પાણી કોમેસ્ટીક હોવાનું બહાર આવે છે. જેથી એવો રીપોર્ટ થાય છે કે તે પાણી વાપરવા લાયક છે. હકીકતે તો  કોઇ પણ વ્યકિત પોતાની કારના બંધ કાચ રાખી આ પુલ ઉપરથી પસાર થાય તો પણ તેની તીવ્ર વાસ મગજમાં ઉતરી જાય છે.

જો માત્ર અહીંથી પસાર થતા જ મગજ ફાટી જાય તેવી કેમીકલની તીવ્ર દુર્ગંધ આવતી હોય તો તે લેબોરેટરીમાં શા માટે નથી આવતુ ? જો કે ઘણા સમય પહેલા વ્યાપક ફરીયાદો ઉઠતા સીપીસીબીની ટીમ આવેલ તેમણે પાણીના નમૂના લઈ આ નદી પ્રદુષિત હોવાનો રીપોર્ટ આપેલ પરંતુ તેને અટકાવવા કોઈપણ જાતના પગલા લેવાયા નથી.

સ્થાનિક જીપીસીબીની કચેરીના ઓફિસરોને શું આ ભાદર નદીનું પ્રદુષણ કે ચીમનીમાંથી નીકળતો ધુમાડો નથી ધ્યાને આવતો કે મીઠી નજર હેઠળ બધુ લોલંલોલ ચાલે છે. આ કચેરીના અધિકારીઓને જ્યારે કોઈપણ અરજી કરે કે પ્રદુષણ અંગે પુછે તો એક જ જવાબ આપવામાં આવે છે કે અમોએ રીપોર્ટ કરી દીધો છે. જો કચેરીના અધિકારીઓ કોઈ ઠોસ કાર્યવાહી કરવી શકતા ન હોય માત્ર રીપોર્ટ જ કરાવી શકતા હોય તો આ કચેરીની અહીં શું જરૂરીયાત છે ? રીપોર્ટ તો કયારેય પણ ટીમ આપી શકે છે. શહેરમાં વીજીલન્સની ટીમ ચેકીંગ માટે આવેલ હોય પ્રદુષણ અંગે રાવ કરનાર સામંતભાઈ સાંજવાએ સાથે રહીને પ્રદુષણ અંગે માહિતી આપી હતી.

(4:02 pm IST)