Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જૂનાગઢ, વંથલી અને બીલખામાં તોડફોડ મામલે ૮૨ શખ્સો સામે નોંધાતો ગુન્હો

બંધ દરમિયાન ૬ દુકાનો અને ૩ એસ.ટી. બસને નુકશાન

જૂનાગઢ, તા. ૩ :. વંથલી અને બીલખામાં તોડફોડ કરી નુકશાન પહોંચાડવા સબબ ૮૨ શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુપ્રિમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એકટ ૧૯૮૯માં સુધારાનો નિર્ણય કર્યો હતો. જેના વિરોધમાં ગઈકાલના ભારત બંધના એલાન દરમ્યાન જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર ૬ દુકાનોમાં તોડફોડ થઈ હતી.

શહેરમાં બંધ કરાવવા નિકળેલા શખ્સો પૈકી અમુક શખ્સોએ ઝાંઝરડા રોડ ખાતેની છ દુકાનને નિશાન બનાવવા આઈ.જી. ડો. રાજકુમાર પાંડીયન દોડી ગયા હતા અને મામલો થાળે પાડયો હતો.

વેપારી રાજેશ કાંતીલાલ વાઘાણીએ ૬ દુકાનોમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડવા સબબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ૭૦ થી ૮૦ જેટલા શખ્સો વિરૂદ્ધ ફરીયાદ કરશે. બી-ડિવીઝન પોલીસે તમામ ઈસમો વિરૂદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.  આ જ પ્રમાણે ગઈકાલે વંથલી ખાતે બસ સ્ટેન્ડમાં જીજે ૧૮ વાય ૪૫૨૦ અને જીજે ૧૮ વાય ૭૪૨૬ નંબરની બે એસ.ટી. બસને નિશાન બનાવી રૂ. ૮૦૦૦નું નુકશાન કરાયુ હતું.

જેમાં એસ.ટી. ડ્રાઈવર કિશોરસિંહ રામસિંહ વાઘેલાની ફરીયાદ પરથી પોલીસ ૭ શખ્સો સામે સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બીલખા ખાતે પાંચ અજાણ્યા શખ્સો એસ.ટી. બસ ઉપર પથ્થરમારો કરી કાચ તોડીને રૂ. ૩૦૦૦નું નુકશાન કર્યુ હતું.આ બનાવમાં એસ.ટી. ડ્રાઈવર પ્રદીપસિંહ ભગવતસિંહ ચુડાસમાની ફરીયાદ લઈ પોલીસે પાંચેય શખ્સો સામે ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

(4:01 pm IST)