Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ચોટીલામાં ચૈત્રી પુનમ નિમિતે યાત્રાળુઓ માટે પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા

રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ ઉપરાંત છાશ કેન્દ્રની સેવા પુરી પડાઇ

ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રીની ઉજવણી નિમિતે ચોટીલામાં લીંબડી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યાત્રીકોને કોઇ જાતની મુશ્કેલી ન પડે તે માટે સુંદર વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે યાત્રીકો માટે ઠંડી છાશનું કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (પ-૩)

 

સુરેન્દ્રનગર તા. ૩ :.. ચોટીલા ખાતે ચૈત્રી પૂનમના તહેવાર નિમિતે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવતા, ભીડ જામે છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા બહારથી ચાલીને આવતા યાત્રાળુઓ માટે રોડ ઉપર તથા તળેટી વિસ્તાર તેમજ મંદિરના પગથીયા સહિતના તમામ જગ્યાએ લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો. ઇન્સ. પી. ડી. પરમાર સહિતના સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ તથા રાઉન્ડ ધી કલોક  પો. સ. ઇ. પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા જીઆરડી સહિતના આશરે ર૦૦ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. ચાલીને આવતા યાત્રાળુઓ માટે દિવસ તથા રાત્રી દરમિયાન હાઇવે ઉપર પણ પેટ્રોલીંગ ગોઠવવામાં આવતા કોઇ અકસ્માત કે અઇચ્છનીય બનાવ બનેલ નથી. પોલીસના સઘન પેટ્રોલીંગ અને ચેકીંગના કારણે દર્શનાર્થે આવતા યાત્રાળુઓના માલ સામાનની ચોરીના બનાવો પણ બનેલ નથી.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી. ડી. પરમાર, પો. સ. ઇ. સી. બી. રાંકજા, હે. કો. હરદેવસિંહ, વિભાભાઇ, વસંતભાઇ, ઘનશ્યામભાઇ, સરદારસિંહ, સહિતના સ્ટાફ દ્વારા બહારગામથી આવતા યાત્રાળુઓ માટે ગરમીની ઋતુમાં છાસ કેન્દ્ર ખોલી, યાત્રાળુઓને માટે સવારથી ઠંડી છાસની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ચૈત્રી પુનમના તહેવારમાં આવેલ લાખો યાત્રાળુઓએ ઠંડી લાશ કેન્દ્રનો લાભ મેળવી, ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ છાસની વ્યવસ્થાની પ્રશંસા કરવામાં આવેલ હતી.

આમ, ચોટીલા પોલીસ દ્વારા પોતાની બંદોબસ્તની ફરજની સાથે સાથે છાસ કેન્દ્ર ખોલી, સેવાનું કામ કરી, સુરક્ષા સાથે સેવાને જોડી, પોલીસ પ્રજાનો મિત્ર છે. એ સુત્રને સાર્થક કરેલ છે. ચોટીલા પોલીસની આ સેવાની પહેલની ઠેર ઠેર પ્રસંશા થઇ રહેલ છે. (પ-૩)

(12:56 pm IST)