Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જામનગરમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે કલેકટરે પાણી સમિતિની બેઠક સંબોધી

જામનગર તા. ૪ : ગત ચોમાસા દરમ્યાન ઓછા વરસાદને કારણે આગામી દિવસોમાં સંભવિત પીવાના પાણીની સમસ્યાઓને પહોચી વળવા ઉપલબ્ધ પાણીના જથ્થાનું સુવ્યવસ્થિત આયોજન કરી લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે જિલ્લા પાણી સમિતિની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડ ખાતે કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

કલેકટર રવિશંકરએ જણાવ્યુ કે, આગામી દિવસોમાં પીવાના પાણીનું સુચારૂ આયોજન થાય તેમજ કોઇ ગામ પીવાના પાણી વિહોણુ ન રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓને સુચનો કર્યા તેમજ ડેમ સાઇટ પર કોઇપણ ઇસમ દ્વારા ગેરકાયદેસર રીતે પાણી ખેંચતા હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ તેમજ કોઇપણ જગ્યાએ પાણી લીકેજ થતુ હોય તો તેને તાત્કાલીક અસરથી દૂર કરી યોગ્ય જથ્થામાં પીવાનું પાણી મળી રહે તે બાબતને અગ્રતાક્રમ આપવી. કોઇ ગામ કે વિસ્તારમાં પાણીની પાઇપલાઇન હોવા છતા ત્યાં પાણી ન પહોચતુ હોય તેવી સ્થિતિમાં યોગ્ય કારણોની ચકાસણી કરી ક્ષતિઓને દુર કરી સુવ્યવસ્થિત રીતે પાણી મળી રહે તે માટે સુચનો કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યુ કે, ડેમ સાઇટ પર નાનુ મોટુ મેન્ટેનન્સ હોય તે તાત્કાલીક અસરથી પૂર્ણ કરવુ.              

પાણી પુરવઠા આસીસટન્ટ અધિકારીએ વિગતવાર જિલ્લામાં ઉપલબ્ધ જળાશયોના પાણી અંગેની માહિતી રજુ કરી હતી. જિલ્લામાં કુલ ૪૩૧ ગામો અને ૪ નગરપાલીકા તેમજ ૧ મહાનગરપાલીકા આવેલ છે. તે પૈકી જિલ્લામાં ૪૩૦ ગામોને નર્મદા પાઇપલાઇનથી કનેકટ કરવામાં આવેલ છે અને ૧ ગામને વ્યકિતગત પાઇપલાઇન યોજનાથી કનેકટ કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે સરેરાશ વરસાદ ૬૭૩ મી.મી. (૮૭્રુ) પડેલ છે. હાલમાં જામનગર તાલુકાના ૬૨, લાલપુર તાલુકાના ૪૧, ધ્રોલ તાલુકાના ૨૫, જોડીયા તાલુકાના ૪૩, કાલાવડ તાલુકાના ૪૩ અને જામજોધપુર તાલુકાના ૨૯ ગામો મળી કુલ ૨૪૩ ગામોને નર્મદા પાઇપલાઇન દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે તેમજ જુથ યોજનામાં જામનગરના ૧૮, ધ્રોલ તાલુકાના ૧૨ મળી કુલ ૩૦ ગામોને પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. સ્વતંત્ર સોર્સ દ્વારા જામનગર તાલુકાના ૧૮, લાલપુર તાલુકાના ૩૨, ધ્રોલ તાલુકાના ૪, જોડીયા તાલુકાના ૯, કાલાવડ તાલુકાના ૪૩ અને જામજોધપુર તાલુકાના ૪૦ એમ કુલ ૧૫૬ ગામોને પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ટેન્કર દ્વારા જામનગરના ૬ પરા વિસ્તારમાં અને કાલાવડ તાલુકાના ૨ ગામોને ટેન્કર દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.

આ બેઠકમાં ડી.ડી.ઓ.શ્રી મુકેશ પંડ્યા, અધિક નિવાસી કલેકટરશ્રી એચ.આર. કેલૈયા, કાલાવડ પ્રાંત અધિકારીશ્રી તેમજ સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:55 pm IST)