Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લા મથકે કૃષિ સંશોધન અને લેબોરેટરી બનાવવા વિક્રમભાઇ માડમ દ્વારા વિધાનસભામાં પ્રશ્નો

જામનગર તા.૩ : સરકારશ્રી દ્વારા તા. ૩૧-૧૨-૨૦૧૭ની સ્થિતિએ ખેડુતોની ખેત પેદાશો સાચવવા - સંગ્રહ કરવા દેવભૂમિ દ્વારા અને જામનગર જીલ્લામાં કરેલ આયોજન બાબત અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા મથકે કૃષિ સંશોધન - કૃષિ લેબોરેટરી જેવી સંસ્થાઓ બનાવવા સરકારશ્રી દ્વારા કરેલ આયોજન અને તેના વિકાસ સબંધે પ્રશ્નો ઉઠાવી ધારાસભ્ય વિક્રમભાઇ માડમએ રજૂઆત કરી હતી.

જામખંભાળીયા - ભાણવડ વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સરકારશ્રી સમક્ષ પ્રશ્ન કરતા જાણવા મળેલ હતુ કે તા. ૩૧-૧૨-૨૦૧૭ની સ્થિતિએ ખેડૂતોની ખેત પેદાશો સાચવવા - સંગ્રહ કરવા સરકારે કોઇ આયોજન કરેલ છે ? જો આવું કોઇ આયોજન કરેલ હોય તો કયા પ્રકારનું આયોજન કરેલ છે ? આ સ્થિતિએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કઇ ખેત પેદાશોનો કેટલો સંગ્રહ કરેલ ? તેમણે પ્રશ્ન પૂજતા જાણવા માગેલ હતુ કે તા. ૩૧-૧૨-૨૦૧૭ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકાના જિલ્લા મથકે કૃષિ સંશોધન કેન્દ્રો અને કૃષિ લેબોરેટરી જેવી સંસ્થાઓ નવી બનાવવા માટે સરકારશ્રીએ શું આયોજન કરેલ છે ? અને કયાં સુધીમાં બનાવવામાં આવશે ?

ધારાસભ્યશ્રીના પ્રશ્નોના જવાબમાં સહકાર મંત્રીશ્રીએ ખેતપેદાશો સંગ્રહ કરવા માટે આયોજન બાબતનો જવાબ 'હા' માં આપેલ અને ખેડૂતો પોતાની ખેતપેદાશોને સાચવી તથા સગ્રહ કરી શકે તે માટે ખેડુત સેવા સહકારી મંડળીઓ ખેતીવાડીઉત્પન્ન બજાર સમિતિઓ, ગોડાઉન અને વેરહાઉસીંગના નિર્માણ કરી શકે તે માટે રાજય સરકાર દ્વારા નાણાકીય સહાય આપવા માટે અલગ અલગ યોજનાઓ અમલમાં છે. ખેતપેદાશો સંગ્રહ કરવાની બાબતના પ્રશ્નના જવાબમાં માન.મંત્રીશ્રીએ જણાવેલ છે કે છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં મગફળી ૭,૦૪,૯૫૯.૪૫ કિવન્ટલ, તુવેર ૧૨,૮૪૦ કિવન્ટલ તથા દેવભૂમિ દ્વારા જિલ્લામાં મગફળી ૩૯,૨૧૮.૯૦ કિવન્ટલનો સંગ્રહ કર્યાનું જણાવવામાં આવેલ છે.

કૃષિ મંત્રીશ્રીએ કૃષિ સંશોધન કેન્દ્ર અને કૃષિ લેબોરેટરી જેવી સંસ્થાઓ નવી બનાવવા માટે દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા ખાતે કૃષિ સંશોધન કેન્દ્ર (સુકી ખેતી) કાર્યરત છે. વિશેષમાં આ દે. દ્વારકા નવો જિલ્લો બનતા ભારત સરકાર દ્વારા દરેક જિલ્લામાં એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોવુ જોઇએ તેવી રજૂઆત કરી છે.(૩૭.૫)

(12:55 pm IST)