Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ધ્રાંગધ્રામાં ૨૦ દિવસથી પાણી માટે લોકોની રઝળપાટ : આંદોલનની ચિમકી

વઢવાણ તા.૩ :  ધ્રાંગધ્રા તાલુકાના વાવડીમાં નર્મદા કેનાલ બંધ થવાથી અને પંચાયતના બોર બંધ હોવાથી ગામમાં ૨૦ દિવસથી પાણી નહી અપાતા ગામ લોકોને પાણી માટે ભટકવુ પડે છે.

પાણી આપવા માટે રજૂઆત પણ કરાઇ છે. પાણીની સુવિધા નહી મળે તો ન છુટકે આંદોલનનો માર્ગ અપનાવવાની ચિમકી લોકો દ્વારા આપવામાં આવી છે ઉનાળો શરૂ થતા ગરમીના પારા ૪૦ ડીગ્રી ઉપર પહોચી જાય છે ત્યારે નર્મદા કેનાલમાં પણ પાણી બંધ થતા પાણીની પોકાર શરૂ થયા છે.

ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામ નર્મદા કેનાલના પાણી અને બોર બંધ હોવાથી ગામને ૨૦ દિવસથી પાણી નહી અપાતા પાણીના પોકાર શરૂ થયા છે ગામ લોકોને બેડા લઇને આસપાસની વાડીઓમાં પાણી માટે ભટકવુ પડે છે. પાણી આપવા માટે સરપંચ, તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને ગામના લોકો દ્વારા રજૂઆત કરવા છતા કોઇ નિવેડો ન આવતા ગામ લોકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાની ચિમકી આપી છે.

આ અંગે શાંતીલાલ રાઠોડે જણાવ્યું કે લોકોને પાણી નહી અપાતા પાણી માટે દૂરદૂર વાડીઓમાં ભટકવુ પડે છે આ અંગે ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી કે.બી. રાણાએ જણાવ્યું કે વાવડી ગામના લોકોને પાણી માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સુચના આપી તાત્કાલીક લોકોને સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.(૩૭.૪)

(12:52 pm IST)