Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગુરૂવારે રાષ્ટ્રીય વહાણવટા દિવસ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના વર્ષનો સુભગ સંયોગ

મોરબી : આમતો ગુજરાતનો ૧૬૬૩ કિ.મીનો દરિયા કિનારો ઉત્તરમાં લખપતથી દક્ષિણમાં ઉમરગામ સુધી એવી કુદરતી અનુકુળતા ધરાવે છે કે દેશ વિદેશ સાથે વહાણવટા દ્વારા વિદેશ વેપારની તકોનો લાભ યુગોથી આપણા રાજયને મળી રહેલ છે. અરબી સમુદ્રમાં વિદેશથી આવતા જહાજો ઓમનની ખાડી પસાર કરી ભારતના પશ્ચિમ કિનારે સિંધ - કચ્છના વિસ્તારમાં પ્રવેશે છે એટલે ગુજરાતને ભારતના વિદેશ વેપારનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે આજે પણ દરરોજ સેંકડો જહાજો દ્વારકાની દિવાદાંડીને પ્રમાણ ગણી ભારતના કિનારામાં પ્રવેશ કરતા કોઇ પુરાણ કાળથી આને દ્વારીકા (પ્રવેશદ્વાર) તરીકે ઓળખ અપાયેલ છે.

આવી કુદરતી ભૌગોલિકા અનુકુળતાને કારણે ભૂતકાળથી દેશી વહાણો દ્વારા  થતા વિદેશ વેપારમાં કચ્છ - સૌરાષ્ટ્રના બંદરો અગ્રીમ સ્થાન ધરાવતા આવ્યા છે. આથી સાથોસાથ વિદેશી સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાનનો મોટો લાભ કાંઠાળ પ્રજાને મળતો રહેતો હોવાથી આર્થિક અને સામાજીક વિકાસનું સ્તર પણ અન્ય અંદરના પ્રદેશો કરતા ઘણું ઉંચુ રહેતુ આવ્યુ છે. વહાણોના બાંધકામ તેનુ સંચાલન તથા વિદેશ વેપારમાં તેનો ઉપયોગ કરનારા સાહસિક વેપારીઓએ આપણા વહાણવટાને ગૌરવ અપાવ્યુ છે. દેશી વહાણોનો યુગ પુરો થતા નવા જમાનામાં મહાકાય યાંત્રિક કાર્ગો વેસલ ટેન્કરો તથા પેસેન્જર્સ સ્ટીમર વિગેરેનો જમાનો આવતા આપણા ગુજરાતના સાહસિક વેપારીઓએ તેમા ઝંપલાવ્યું અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ નામના હાંસલ કરી.

રાષ્ટ્રીય વહાણવટા દિવસ તથા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના વર્ષના સુભગ સંયોગોમાં આપણા ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે આધુનિક વહાણવટાક્ષેત્રે ખ્યાતનામ ભારતની ઘી સિંધીયા સ્ટીમ નેવીગેશન કાું.ના ચેરપર્સન તરીકે આપણી ગુજરાતની મહિલાએ વર્ષો સુધી સફળ સુકાન સંભાળી ભારતની વહાણવટાને આંતરરાષ્ટ્રીય દરજજે ઉચ્ચ સ્થાન અપાવ્યુ છે. દેશ વિદેશ સાથે વહાણવટા વ્યવસાય સાથે યુગોથી જોડાયેલા ગર્ભશ્રીમંત સૌરાષ્ટ્ર કચ્છના ભાટિયા પરિવારો પૈકી શ્રી નરોત્તમ મોરારજીએ આધુનિક વહાણવટાના વિકાસ સાથે કદમ મિલાવી ભારતના વહાણવટાને આધુનિકકરણની ઉંચાઇ પહોચાડેલ અને ધી સિંધીયા સ્ટીમ નેવીગેશન કાું.ની સ્થાપના કરી છેક ૫ મી એપ્રિલ ઇ.સ.૧૯૧૯ માં તેમની કાું. નું જહાજ એસ.એસ.લોયાલીટી માલભરી પ્રથમ વખત મુંબઇ થી લંડન રવાના કર્યુ. આ દિવસ એટલે કે પ મી એપ્રિલને રાષ્ટ્રીય વહાણવટા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આઝાદી બાદ ૫૦-૬૦ના દાયકામાં તેમના પુત્રવધુ શ્રીમતી સુમતિ મોરારજીએ કંપનીનું સુકાન સંભાળી કુશળ વહીવટકર્તા તથા આધુનિકરણના સ્વપ્ન દ્રષ્ટા તરીકે પોતાની સુઝબુઝનો ઉપયોગ કરી કંપનીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના અપાવી એટલું જ નહિ ભારતના વહાણવટા ઉદ્યોગને ઉંચાઇ પર લઇ ગયા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના વર્ષમાં પ્રસંગે ગુજરાતની સુપુત્રીને એક અનોખા દરિયાઇ સાહસિહ વ્યવસાયમાં આંતરરાષ્ટ્રીય નામના કમાનાર મહિલાને કેમ ભૂલી શકીએ.

આઝાદી બાદ કચ્છમાં કંડલા બંદરનો વિકાસ તથા ત્યારબાદ ખાનગી બંદર મુંદ્રાનો વિકાસ કચ્છની કાયાપલટમાં મુખ્ય ભાગ ભજવ્યો. ઉજજડ વેરાન કચ્છમાં નાના - મોટા ઉદ્યોગોની હારમાળા સર્જાઇ. ઇમારતી લાકડાની આયાત તથા રાજસ્થાન મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશના માલસામાનની આયાત નિકાસમાં મુખ્ય કેન્દ્ર તરીકે આ પ્રદેશના વિકાસની સિકલ બદલાઇ ગઇ. સમગ્ર કચ્છથી મોરબી અને બામણબોર સુધીનો પ્રદેશ નાના - મોટા ઉદ્યોગોથી ધમધમી ઉઠયો છે. આજરીતે સૌરાષ્ટ્રના વાડીનાર, એસ્સારની રિફાઇનરી અને સિકકા ખાતે રિલાયન્સનું તેલ સંકુલ, પોરબંદર, પીપાવાવ, દહેજ, હજીરા વગેરે છે. બંદરોનો વિકાસ તથા આયાત નિકાસની પ્રવૃતિઓ તેમજ રાસાયણિક ઉદ્યોગોની સ્થાપના અને રોજગારની વધેલ તકો પ્રાપ્ત થયેલ છે.

તાઇવાન સરકાર દ્વારા પોતાના પેટ્રોકેમીકલ પાર્કની સ્થાપના માટે ગુજરાતના કિનારે પ્રાથમિક સર્વે ચાલી રહેલ છે. જેમા તેલ શુધ્ધિકરણ માટે રિફાઇનરી, નેપ્થા ક્રેકર પ્લાન તથા ઇથિલીન અને અન્ય પેટ્રોકેમીકલ પ્લાન્ટ સ્થાપવા સંભવત : કચ્છના    દરિયાકિનારે આવો પ્લાન સ્થાપવા વિચારણા હેઠળ છે જે એકાદ માસમાં ફાઇનલ થવા સંભાવના છે. જો આ પ્રોજેકટ ફાઇનલ થશે તો આ વિસ્તારના તથા ગુજરાતના યુવાનો માટે મોટી રોજગારી તકો ઉત્પન્ન થશે.

ઇરાન સાથે ચાર બાહ બંદરનો વિકાસનો મહત્વકાંક્ષી પ્રોજેકટ કરાર થયા. ઇરાન - ભારત સાથે ચારબાહ બંદરના વિકાસના કરારો થઇ ગયા છે. આને કારણે રાજકીય તથા વિદેશ વેપારમાં ભારતને મહત્વનો લાભ થશે એટલું જ નહિ સૌરાષ્ટ્ર કચ્છના નાના બંદરો માટે વિકાસની મોટી તકો પ્રાપ્ત થશે. આ થઇ આપણા વહાણવટાના વિકાસ સાથે ઉદ્યોગ રોજગારીની વિકાસ ગાથા.

વી.જે.ઠાકર

નિવૃત નાયબ મત્સ્યોદ્યોગ નિયામક ૧૭, નટવરપાર્ક, મોરબી-૨ મો.૯૪૨૮૨ ૮૧૪૧૭

(12:10 pm IST)