Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગોંડલ યાર્ડમાં કેસર કેરીની આવકઃ ૧૦ કિલોના રૂ. ૬૦૦થી રૂ. ૧૨૦૦

ગોંડલ તા. ૩ : ગોંડલ પંથકમાં ભલે ખેડૂતો આંબાનું વાવેતર કરતાં ન હોય પરંતુ સૌરાષ્ટ્રભરમાં સુપ્રસિદ્ઘ ગણાતા ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં દર વર્ષેઙ્ગ ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસરની અઢળક આવકો થતી જોવા મળતી હોય છે.આ વર્ષે પણ કેરીની સિઝનનો પ્રારંભ થવાની સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની છેલ્લા બે ત્રણ દિવસથી આવક થવાં પામી છે.ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કેસર કેરીની આવક સાથે બીજા દિવસે માર્કેટ યાર્ડમાં કેરીના ૨૬૦૦ થી ૨૭૦૦ જેટલા બોકસની આવક જોવાં મળી હતી.આ વર્ષે કેસર કેરીની સિઝનનો યાર્ડમાં એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે.જયારે પ્રથમ દિવસે ગોંડલ યાર્ડ હરરાજીમાં કેસર કેરીના ૧૦ કિલોના ભાવ રૂપિયા ૯૦૦ સુધીના બોલાયા હતાં.જયારે કાલે બીજા દિવસે હરરાજીમાં કેસર કેરીના બોકસ રૂપિયા ૬૦૦થી લઈને ૧૨૦૦ સુધીનું કેરીના બોકસનું વહેંચાણ થયું હતું.

દર વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની જૂનાગઢ,તાલાળા,કેશોદ અને ઉના પંથકના જસાધાર, ગીરગઢડા, જામવાળા, કંટાળા, સાવરકુંડલા સહિતના પંથકમાંથી આવકો થતી હોય છે.ગોંડલ યાર્ડમાં ઉના પંથકમાંથી કેસર કેરીની છેલ્લા બે દિવસથીઙ્ગ આવકનો પ્રારંભ થયો છે.ત્યારે કેસર કેરી વહેંચાણ કરવા યાર્ડમાં આવતા ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે કેસર કેરીના પાકમાં વારંવાર બદલાતું હવામાન અને અસહ્ય ગરમીને લઈને ઘણો કેરીનો પાક ખરી જવાની સાથે નિષ્ફળ ગયો છે.જેમને કારણે કેસર કેરીની મોડી થયેલ સિઝન વહેલા પૂર્ણ થવાની ખેડૂતો ધારણા કરી રહ્યાં છે.

કેસર કેરીના પાકમાં વાતાવરણ અનુકુળ ન હોવાને કારણે ખેડૂતોને કેરીનો ફાલ ખરી જવાથી વ્યાપક નુકસાન થયું છે.ત્યારે આગામી દિવસોમાં કેસર કેરીની માર્કેટ યાર્ડમાં કેવી આવકો જોવા મળશે અને કેટલો સમય સિઝન ચાલશે એ તો સમય જ બતાવશે!!

(12:09 pm IST)