Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

રીબડામાં ફોરેસ્ટ અધિકારીઓ પરના ખૂની હુમલા કેસમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા જામીન પર મુકત

રાજકોટ,તા. ૩ :. ગોંડલના રીબડામાં ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલો કરી કચડી નાખવાના પ્રયાસના ગુન્હામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનો જામીન પર છૂટકારો થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ૧૦ દિ' પૂર્વે જૂનાગઢ સ્થિત ટ્રેનીંગ પૂર્ણ કરી પરત ફરી રહેલ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની બસ ગોંડલના રીબડા ગામે આવેલ પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવવા ઉભી રહી હતી ત્યારે બસમાં બેઠેલા ફોરેસ્ટ અધિકારી વીપીનકુમાર સિંઘ તથા સુરેશકુમાર લઘુશંકા કરવા પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહના મકાન પાસે જતા પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેના બે સાગરીતોએ ઉકત બન્ને અધિકારીઓ પર હુમલો કર્યો હતો અને બાદમાં કારથી ઠોકરે ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાન આ ગુન્હામાં વપરાયેલ સ્કોર્પીયો નં. જીજે ૦૩ કેસી ૧૭૭૧ ભુણાવા ચોકડી પાસેથી બીનવારસુ મળી આવતા પોલીસે કબ્જે કરી હતી અને ડ્રાઈવર તરીકે અરવિંદ વેલજીભાઈ રાજાણીનું નામ ખુલતા ગત તા. ૨૫ના રોજ તેની ધરપકડ કરાઈ હતી. તેની પૂછતાછમાં તેની સાથે હુમલામાં તેનો પુત્ર સામેલ હોવાનું ખુલતા તેની પણ ધરપકડ કરાઈ હતી અને રીબડા સ્થિત નિવાસ સ્થાનેથી પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

પકડાયેલ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાને ગઈકાલે મોડી સાંજે ગોંડલ તાલુકા પોલીસે કોર્ટમાં રજુ કરતા બન્ને પક્ષની દલીલો અને રજૂઆતો સાંભળી કોર્ટે મહિપતસિંહને જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.

(12:07 pm IST)