Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ભૂતકાળમાં થયેલા ઠરાવો-ભ્રષ્ટાચારોને મંજુરી ન આપતા જસદણ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તઃ કુંવરજીભાઈની સટાસટી

કોંગ્રેસ તો વિપક્ષમાં હોવાથી આક્ષેપ કરે છે ત્યારે ભાજપના જ સભ્યોએ કર્યુ દૂધનું દૂધ અને પાણીનું પાણી

જસદણ, તા. ૩ :. જસદણ કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે જણાવ્યુ છે કે, શહેરમાં પાણીની સમસ્યા વિકટ હોય તેમ જુદા જુદા વોર્ડોમાં ગંદા પાણીની મોટી સમસ્યા છે. જસદણ શહેરમાં સફાઈની કામગીરીમાં નિષ્ફળતા, જસદણ શહેરમાં હાલ સરકારશ્રીના કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલે છે તે નબળી ગુણવત્તાવાળા થતા હોય, શહેરમાં વિકાસના કામોમાં માત્ર એક જ એજન્સી દ્વારા કામો થતા હોય, બીજી એજન્સીને કામો આપવા છતા કામો બંધ હોય, પાલિકાના સદસ્યો સાથે મનસ્વી વર્તન કરી અપમાનીત કરતા હોય, સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના મનઘડત નિર્ણયો લેતા હોય તેવા કારણોસર જસદણ નગરપાલિકાના ભારતીય જનતા પક્ષના સદસ્યોએ તાજેતરમાં જ નિમાયેલા નગરપાલિકાના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી છે.

શું ભાજપના સભ્યોને હવે આ ખબર પડી ? કોંગ્રેસ પક્ષ તો અગાઉની ભાજપની જ બોડીમાં થયેલ શૌચાલય, રોડ રસ્તાના કામો, આલણસાગર ડેમના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર, ખરીદીમાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર, ફીલ્ટર પ્લાન્ટમાં ચાલતો ભ્રષ્ટાચાર અંગે પોકારી... પોકારીને જણાવતો હતો. પાલિકાની ચૂંટણી ગઈ હજુ બે માસ જેટલો સમય પસાર થયો છે, નવા નિમાયેલા યુવાન પ્રમુખ પોતે એડવોકેટ છે, પ્રમાણિક છે, સારાયે સમાજમાં બિનવિવાદાસ્પદ વ્યકિત તરીકેની છાપ ધરાવે છે. હજુ તો એક માસ થયો ત્યાં શું તે  ભ્રષ્ટાચારી થયા ? નિષ્ફળ પ્રમુખ થઈ ગયા ? તેમ કુંવરજીભાઈએ જણાવ્યુ હતું.

અગાઉની નગરપાલિકામાં ભાજપની બોડી હતી ત્યારે ૮ - ૮ માસ થવા છતાં સામાન્ય સભા મળતી ન હતી, તેથી અગાઉના બોર્ડમાં થયેલા ભ્રષ્ટાચારોને છુપાવવાના ઈરાદે, નવા નિમાયેલા પ્રમુખે સામાન્ય સભામાં આવા ભ્રષ્ટાચારને છુપાવતા ઠરાવોને બહાલી ન આપી તેથી તેને હટાવવા આ મોટુ ષડયંત્ર રચાયું હોય તેવી જસદણની જનતામાં ચર્ચાઓ ચાલે છે. અગાઉની બોડીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, જસદણના ભાજપના પૂર્વ ધારાસભ્યએ આ ભ્રષ્ટાચારને છુપાવવા અનેક પ્રયત્નો કરેલ, પરંતુ કોંગ્રેસ પક્ષે કૌભાંડ ખુલ્લા પાડયા હતા, તે સમયમાં કરેલ ભ્રષ્ટાચારોને નવા નિમાયેલા સ્વચ્છ પ્રતિભા ધરાવતા પ્રમુખે સામાન્ય સભામાં બહાલી ન આપી એટલે નવા પ્રમુખ મનઘડત નિર્ણયો કરે છે તેવા આક્ષેપો કરાવી ભાજપના પૂર્વ ધારાસભ્યનું જ એક ષડયંત્ર હોવાનું જણાય છે તેમ કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું.

કુંવરજીભાઈ બાવળીયાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસનો વિપક્ષમાં રહીને આક્ષેપ કરે પરંતુ ભાજપના સભ્યોના આક્ષેપથી દૂધનુ દૂધ અને પાણીનું પાણી થઈ ગયુ છે.

(12:05 pm IST)