Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ઉનામાં બળજબરીથી દુકાનો બંધ કરાવતા વેપારીઓ સાથે ઘર્ષણઃ ટોળામાંથી એક યુવાને પત્રકારને ઝાપટ મારી

ઉના દલિત સમાજ દ્વારા આવેદનઃ ઉનામાં બંધ દરમિયાન દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ તે તસ્વીર

ઉનામાં વેપારીઓ દ્વારા આવેદનઃ ઉનામાં દુકાન બંધ કરાવવા બળજબરી કરાવવા સામે વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યુ હતું (તસ્વીરઃ નિરવ ગઢિયા-ઉના)

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૩ :. દલીતો દ્વારા ભારત બંધના એલાનમાં વેપારીઓની દુકાનો બળજબરીથી બંધ કરાવતા દલીતોના ટોળા અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયુ વેપારીઓએ પગલા લેવા પોેલીસને લેખીત આપ્યું હતું. દરમિયાન રીપોર્ટીંગ કરી રહેલ પત્રકારને એસ.ટી. બસ સ્ટેશન પાસે ટોળામાંથી એક યુવાને ઝાપટ મારી મારી નાખવાની ધમકી આપી હતી. દલિત સમાજે પ્રાંત કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યુ હતું.

સુપ્રીમ કોર્ટે એટ્રોસીટી એકટની કલમ બાબતે દલીત સમાજે સમગ્ર ભારત બંધનું એલાન આપેલ હતું. તે બાબતે શહેરના વેપારીઓની દુકાનો ખુલ્લી હતી. તેને બંધ કરાવવા દલીત સમાજના એક ટોળાએ બસ સ્ટેશન વિસ્તાર વડલી ચોક, ત્રિકોણબાગ, ખાઉધરી ગલીમાં વેપારીઓની દુકાનો બંધ કરવા બળજબરી કરતા વેપારીઓ તથા ટોળા વચ્ચે તું તું - મેં મેં અને ઘર્ષણ થયુ હતું અને મામલો બીચકે તે પહેલા પોલીસ આવી જતા વાતાવરણ ઠંડુ પડયુ હતંુ અને બસ સ્ટેશન પાસે એક ફરસાણના વેપારીને બળજબરીથી દુકાન બંધ કરાવવા ટોળાએ પ્રયત્નો કરતા ત્યારે રીપોર્ટીંગ કરી રહેલ પત્રકાર ચિંતનભાઈને એક યુવાને ગાળો આપી ઝાપટ મારી હતી વાતાવરણ ગરમાયુ હતું.

વેપારીઓએ ભયના માર્યા દુકાન ટપોટપ બંધ કરી દીધી હતી અને થોડી કલાકો બપોર બાદ અમુક દુકાન ખુલી ગઈ હતી. આ અંગે પત્રકાર ચિંતન ગઢીયા તથા જાહેર બાગ સામે આવેલ ખાઉધરી ગલીના વેપારીઓએ દલીત સમાજના ટોળા એ બળજબરી કરી ગાળો આપી તેની સામે પગલા લેવા ઉના પોલીસને લેખીતમાં રજુઆત કરી હતી. આ બનાવો બનતા ગીર સોમનાથ જીલ્લામાં પોલીસવડા હીતેષ જોઈસર, ડી.વાય.એસ.પી. તથા વધુ પોલીસ ઉનામાં ખડકી દેવામાં આવી હતી.

ટોળુ દુકાન બંધ કરવા નિકળેલ ત્યારે ટોળા સાથે ઉના પોલીસ તથા અધિકારીઓ હતા, પરંતુ ટોળા જ્યારે અતિરેક કરતા હતા ત્યારે પોલીસ હોવા છતા ટોળાને પોલીસ રોકતી ન હોય અને મુકપ્રેક્ષક બની જોતી હતી તેથી વેપારીઓમા કચવાટ જોવા મળી રહ્યો છે.ઙ્ગ

ભારત બંધના એલાન સંદર્ભે ઉના-ગીરગઢડા તાલુકાના દલિત સમાજના આગેવાનો કાનજી સાંખટ, ભાઈદાસભાઈ વાળા, બધાભાઈ વિંજુડા, વિનુભાઈ ચૌહાણ તથા આગેવાનોએ રેલી સ્વરૂપે ઉનાની પ્રાંત કચેરીએ જઈ પ્રાંત અધિકારીને રાષ્ટ્રપતિને સંબોધીને લખેલ આવેદનપત્ર રાજ્યપાલ મારફત મોકલાવી સુપ્રીમ કોર્ટ એટ્રોસીટી એકટની કલમો ફેરફાર અંગે જે ચુકાદો આપેલ તેનો વિરોધ કરી દલિતો અધિકાર માંગે છે અને નહીં આપવામાં આવે તો નાછુટકે રોડ ઉપર ઉતરી આંદોલન ઉપવાસ કરવાની ફરજ પડશે. ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી આપી આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.(૨-૩)

 

(11:49 am IST)