Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

જાન્યુઆરી મહિનામાં કોરોનાની અસર ઘટતા શ્રી સોમનાથ મહાદેવના દર્શને ૪,૩૭,૭૪૭ ભાવિકોએ દર્શન કર્યા

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા)પ્રભાસ પાટણ,તા. ૩: કોરોના અસર ઘટતાં રસીકરણથી વિશ્વાસ આવતા અને એસ.ટી.બસો પ્રાઇવેટ કારો-વાહનો સાથે આંશીક રેલ્વે વ્યવહાર પણ શરૂ થતાં સોમનાથ મંદિરના દર્શનાર્થીઓ આંકડો દિન-પ્રતિદિન કુદકે -ભુસકે વધી રહ્યો છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે, ' ગત માસ એટલે કે જાન્યુઆરી -૨૦૨૧માં ૪ લાખ ૩૭ હજાર ૭૪૭ દર્શનાર્થીઓએ સોમનાથ મંદિર ખાતે પ્રત્યક્ષ આવી દર્શન કર્યા જેમાં પ્રજાસત્તાક દિન જાહેર રજા અને શનિ -રવિના અનુસંધાન તા. ૨૩ જાન્યુ.ના માત્ર ચાર જ દિવસમાં ૮૮,૦૦૦ દર્શનાર્થીઓએ મંદિરમાં રૂબરૂ પ્રત્યક્ષ દર્શન કર્યું.

સોમનાથ ટ્રસ્ટના અતિથીગૃહો -ભોજનાલયો લગભગ  ૬૦ થી ૬૫ ટકા ફૂલ જાય છે. પરપ્રાંતોના જુદા -જુદા યાત્રિકો પણ સોમનાથ આવતા થયા છે. ટ્રસ્ટી -સચિવ પ્રવિણભાઇ લહેરીએ પણ અત્રે ત્રણ દિવસ મુકામ કરી સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ અને માર્ગદર્શન આપ્યુ હતું.

કોરોનાને કારણે તા. ૧૯ માર્ચથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે દર્શન માટે બંધ થયું હતુ. જે ૮ જૂનથી કેન્દ્ર -રાજ્ય સરકાર કોરોના ગાઇડ લાઇન અને ટ્રસ્ટે પણ આરતિ માટે દર્શનાર્થી પ્રવેશ બંધ સેનેટાઇઝર -થર્મલગન સ્ક્રીનીંગ સહિત પ્રબંધો કરી જે વ્યવસ્થાઓ ગોઠવી હતી તે ચાલુ રાખી દર્શનાર્થીઓને દર્શન માટે નિયમો સાથે પ્રવેશ ચાલુ રાખ્યો છે.

(11:43 am IST)