Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ઓખાના પ્રોઢ રામસિંગભાઇનું બે ઓપરેશન બાદ મોતઃ તબિબની બેદરકારીનો આક્ષેપ

ખંભાળીયાની હોસ્પિટલમાં કિડનીની પથરીના ઓપરેશન બાદ ભાનમાં જ ન આવતાં બીજુ ઓપરેશન કરાયું: રાજકોટમાં દમ તોડ્યોઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૨: ઓખા નવી બજારમાં જવાહર રોડ પર રહેતાં રામસિંગભાઇ ઓઢાભાઇ કેર (ઉ.૫૨) નામના વાઢેર પ્રોૈઢનું કિડનીની પથરીનું ઓપરેશન ખંભાળીયાની હોસ્પિટલમાં કરાવાયા બાદ તબિયત બગડતાં રાજકોટ ખસેડાયા હતાં. અહિ મોત નિપજ્યું છે. પથરીના ઓપરેશન વખતે ડોકટરે બેદરકારી રાખી દીધાનો આક્ષેપ પરિવારજનોએ કરતાં મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

મૃતકના પુત્ર કેવલભાઇ કેરએ જણાવ્યું હતું કે પિતા રામસિંગભાઇ હાલ નિવૃત જીવન ગાળતાં હતાં. સંતાનમાં હું એક જ પુત્ર છું. તેમને કિડનીની પથરી હોઇ ખંભાળીયાની સાકેત હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં ડો. સુમાત ખેતરીયાએ ૨૮/૧૦ના રોજ ઓપરેશન કર્યુ હતું. ઓપરેશન બાદ થોડીવાર ભાનમાં આવ્યા પછી બેભાન થઇ ગયા હતાં. બાદમાં ડોકટરે આંતરડામાં ગેસ છે તેમ કહી બીજુ ઓપરેશન કરવું પડશે તેમ કહી તા.૨/૧૧ના બીજુ ઓપરેશન કર્યુ હતું. આમ છતાં મારા પિતા ભાનમાં આવ્યા નહોતાં.

બાદમાં ડોકટરે બીજી હોસ્પિટલમાં રિફર થવાનું કહેતાં વૃજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાં એવું નિદાન થયું હતું કે આખા શરીરના લોહીમાં ઇન્ફેકશન આવી ગયું છે. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાત્રે મૃત્યુ નિપજ્યું હતું. સાકેત હોસ્પિટલમાં બે ઓપરેશન વખતે કોઇ ખામી રહી ગયાની અમને શંકા હોઇ જેથી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરી છે. એ-ડિવીઝનના પી.એસ.આઇ. કે. એ. જાડેજા અને રાઇટર કેતનભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:39 am IST)