Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ધોરાજી દરબાર ગઢ પાસેનું આરોગ્ય કેન્દ્ર માંદગીના બિછાને

જર્જરિત બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થાઈ તેવી શકયતા...

(કિશોર  રાઠોડ દ્વારા) ધોરાજી , તા. ર : ધોરાજીના દરબારગઢ પાસે શહેરી આરોગ્યકેન્દ્ર ચાલી રહ્યું છે. જેની ઇમારત રાજાશાહી સમયની અને અત્યંત જર્જરિત હાલતમાં છે. આ ઇમારત માં કોઈ દુર્દ્યટના સર્જાઈ કે ઇમારત પડે તો ભારે જાનહાની થાઈ તેવી શકયતા નકારી શકાય નહીં.

દરબારગઢ પાસેનું આ શહેરી આરોગ્યકેન્દ્ર વર્ષોથી આ જર્જરિત બિલ્ડિંગમાં ચાલી રહ્યું છે. જેમાં લોકોને પ્રાથમિક અને આવશ્યક સારવાર અવશ્ય મળી રહે છે. પરંતુ સારવાર માટે દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશતા ભય પણ અનુભવી રહ્યા છે.

 ધોરાજીના યુવા અગ્રણી અને એડવોકેટ અરવિંદભાઈ કાપડીયાએ જણાવેલ કે આ જૂનવાણી સમયના બિલ્ડિંગમાં દીવાલોમાં પોપડા પડ્યા છે. તિરાડો પડી છે. અને બિલ્ડીંગ વપરાશ માટેનુ આયુષ્ય પણ પૂરું થયું હોય તેમ જણાય છે. બિલ્ડીંગ નો ઉપરી માળ અત્યંત ખંઢેર જેવો થઈ ચૂકયો છે. ઇમલો તૂટી પડે તો મોટી જાનહાનીની સંભાવના રહે છે. આ ઉપરાંત આ શહેરી આરોગ્યકેન્દ્ર શહેરના ગીચ અને ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર ચાલી રહ્યું છે. સામેની બાજુ વણિક સમાજની વાડી આવેલી છે. જયાં અવાર નવાર પ્રસંગો યોજાતા હોય છે. ત્યારે  આ ઇમારત અત્યંત જોખમી ગણી શકાય.

રાજય સરકાર લોકોને સારી આરોગ્યલક્ષી સુવિધા આપવાની જાહેરાતો કરે છે. પરંતુ શહેરી આરોગ્ય કેન્દ્ર જ માંદગીના બિછાને જણાઈ આવે છે.

બિલ્ડીંગની આસપાસના રહીશો પણ આ જર્જરિત ઇમારતને લઈ ભય અનુભવી રહ્યા છે. ત્યારે નગરપાલિકાએ આ ઇમારત નું પરીક્ષણ કરાવી જો ઉપયોગને લાયક ન હોય તો જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.

આ મામલે બ્લોક હેલ્થ અધિકારીએ જણાવેલ કે આ મામલે ઉપરી કચેરીમાં રજુઆત કરાઈ છે. હાલ આ આરોગ્યકેન્દ્ર વૈકલ્પિક વ્યવસ્થાનો ભાગ છે. નવા બિલ્ડીંગ માટે દરખાસ્ત કરવામાં આવી છે.

(11:38 am IST)