Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગિરનાર લીલી પરિક્રમા પર કોરોનાનું ગ્રહણઃ પ્રથમ વખત પદયાત્રા પર બ્રેકની શકયતા

હજુ સરકારમાંથી પણ કોઇ જાણ નહીઃ પરિક્રમાની પરંપરા જળવાય તેવી માંગ

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૨: ગિરનારની લીલી પરીક્રમા પર પણ કોરોનાનું ગ્રહણ મંડરાઇ રહયું છે. પ્રથમ વખત વર્ષો બાદ આ પદયાત્રા પર બ્રેક લાગવાની શકયતા પ્રવર્તે છે.

દર વર્ષેે કારતક સુદ અગીયારસનાં પાવન દિવસથી ગરવા ગિરનાર ફરતે ૩૬  કિ.મી.ની પાવનકારી લીલી પરીક્રમા યોજાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની વૈશ્વીક મહામારીની  પરીક્રમા પર અસર થવાની શકયતા છે.

આ વર્ષે હજુ સરકારમાંથી પરીક્રમાના આયોજનને લઇ જાણ થઇ નથી કે પરિક્રમા યોજાશે કે નહી જેથી સૌ કોઇ અવઢવની સ્થિતિમાં છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે પરિક્રમા પર પણ બ્રેક લાગવાની શકયતા છે.

દર વર્ષે આ પરિક્રમામાં લાખો ભાવીકો જોડાઇને પુણ્યનું ભાથુ બાંધે છે. પરંતુ આ વર્ષે પરિક્રમાનાં આયોજનને લઇ મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી.

દરમ્યાન આ વર્ષે સંભવતઃ લીલી પરિક્રમા મોકુફ રાખવા આવે તેવું જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોના ઉતારા મંડળે જણાવેલ છે. પરંતુ મંડળે પરંપરા જળવાય તેવી માંગ કરી છે.

ઉતારા મંડળના અધ્યક્ષ દેવાણંદભાઇ સોલંકી, મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઇ વેકરીયા, મંત્રી કાળાભાઇ સિંધલ, ગોવિંદભાઇ વેગડ, નાગદાનભાઇ ડાંગર, મગનભાઇ સાવલીયા વગેરેએ જણાવેલ કે, કોરોના કોરોના સંકટને લઇ સરકારે સમુહમાં એકઠા ન થવુ એ બાબતની ગાઇડ લાઇન બહાર પાડી છે. ત્યારે તમામ ભાવીકોને અપીલ કરવામાં આવે છે કે, લીલી પરિક્રમા કરવા ન આવવું.

કેમ કે, ગુજરાતભરમાંથી આવતા ઉતરા મંડળો, અન્નક્ષેત્રો પણ આ વર્ષે પરિક્રમામાં પોતાની સેવા નહી આપે. આમ આગામી રપ નવેમ્બરથી શરૂ થનાર પરિક્રમા પર કોરોનાનું ગ્રહણ મંડરાય રહયું છે.

(11:20 am IST)