Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

વાવાઝોડાનો કરંટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાથી ર ઇંચ

ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન

રાજકોટ તા. રઃ ''મહા'' વાવાઝોડાની ચેતવણીના પગલલે તંત્ર એલર્ટ થઇ ગયું છે ત્યારે ''મહા'' વાવાઝોડાનો કરંટ શરૂ થઇ ગયો છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનમાં પલ્ટો આવ્યો છે અને ગીર સોમનાથ જીલ્લાનાં કોડીનાર, તાલાલા ગીરમાં ર ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

આ કમોસમી વરસાદ સુરેન્દ્રનગર, ભાવનગર, દેવભુમિ દ્વારકા જીલ્લામાં પડતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલકુાના કેનેડી, બાકોડી, હડમતીયા સહિત અનેક ગામોમાં વરસાદ પડયો છે.

જયારે અમરેલી જીલ્લાના જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમા પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જયારે સાયલામાં ઝાપટા રૂપે ઝરમર વરસાદ પડયો હતો.

વઢવાણ

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા અનેક માસથી સત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અગાઉ પણ વરસાદ જિલ્લામાં સારો એવો વર્ષયો છે ત્યારે જિલ્લામાં ખાબકેલા વરસાદની અસર એ થઇ છે કે અહીં આવેલા જિલ્લાના તમામ ડેમો અને જળાશયો ઓવરફલો બન્યા છે. ત્યારે જિલ્લામાં સતત વરસાદ એ જિલ્લામાં તારાજી સર્જી છે. ત્યારે વધુ પડતા વરસાદના પગલે જિલ્લામાં ભારે એવું નુકશાન થયું છે. જિલ્લાના મોટા ભાગના રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને વરસાદના પગલે ધોવાયા છે. આજે બપોરથી સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ કુલ ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લામાં ''મહા'' વાવાઝોડાએ આફત સર્જી છે.

ભાવનગર

ભાવનગરમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.. વાવાઝોડાના કારણે જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ થતા પાકને નુકસાન થયું છે..જિલ્લામાં વરસાદ થતા માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલો માલ પલળ્યો છે.

ભાવનગરના સિહોર તાલુકામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરલ ગામે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની ચિતામાં વધારો છે. કમોસમી વરસાદને કારણે કપાસ, મગફળી, જુવાર, મકાઈ સહિતના પાકોને ભારે નુકસાન થયુ છે.

કોડીનાર

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા મહાવાવાઝોડાના પગલે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના દરીયા કિનારાઓના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગીર-સોમનાથ, વેરાવળ, અમરેલી અને ભાવનગરમાં પવનની ગતિ તેજ બની છે અને વરસાદી ઝાપટાઓ ચાલુ થયા છે. જેને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ છે.

હાલ મહાવાવાઝોડાને કારણે દરીયામાં મોજાઓએ રૌદ્રરૂપ ધારણ કર્યુ છે ત્યારે માછીમારોને દરીયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. તેમજ બંદર પર એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થયુ છે. ભાવનગરમાં વાવાઝોડાની આગાહી વચ્ચે શનિવારે સવારથી જ ધાબડીયું વાતાવરણ રહ્યા બાદ સવારે ૮ વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા છે. કોડીનાર યાર્ડમાં મગફળીની ૮ હજાર ગુણી વરસાદને લીધે પલળી ગઈ છે. આ ઉપરાંત દરીયાઈ કાંઠા વિસ્તારમાં ઠેર-ઠેર ભારે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થયા છે, ત્યારે આ કમોસમી માવઠાના કારણે ખેતરોમાં મગફળી-કપાસ જેવા ઉભા મોલને વ્યાપક નુકસાની થતા ખેડૂતોમાં હતાશા સાથે ચિંતાની લાગણી પ્રસરી હતી.

(4:10 pm IST)