Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ગરીબીના કારણે સારવાર ન થઇ શકતા મુન્દ્રાની મહિલાનું મોત - સંતાનો અનાથ

પતિના છોડી ગયા પછી ત્રણ સંતાનો સાથે પડોશીના આશરે રહેતી પરપ્રાંતીય મહિલાને તાવ ભરખી ગયો, સરકાર અને સસ્થાઓ દ્વારા સેવાના દાવા વચ્ચે હૃદય વલોવતો કિસ્સો

ભુજ,તા.૨: ડેંગ્યુના ઉપદ્રવ વચ્ચે કચ્છમાં સરકાર તેમ જ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તાવ ગ્રસ્ત લોકો માટે સારવારની સુવિધાઓ ઉભી કરવાના દાવાઓ વચ્ચે મુન્દ્રામાં હૃદયને વલોવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. મુન્દ્રાની ભાગોળે ધ્રબ ગામની સીમમાં રહેતી સુનિતા શિશુપાલ મુંડા નામની પરપ્રાંતીય પરિણીતાનું સારવાર માટે ભુજ ખસેડતી વેળાએ રસ્તામાં મોત નીપજયું હતું. છેલ્લા એક અઠવાડિયાથી સુનિતા તાવ ગ્રસ્ત હતી. સતત ઉધરસ અને તાવના કારણે અશકત એવી આ મૃતક મહિલા માટે મોતનું કારણ તેની ગરીબી હોવાનું સામે આવ્યું છે. પતિએ તેણીને છોડી દીધી હોઈ તે ત્રણ બાળકીઓ સાથે પડોશીના દ્યેર આશરો લઈને રહેતી હતી. દરમ્યાન તેણીને તાવ આવતાં તે પૈસાના અભાવે યોગ્ય સારવાર માટે આમતેમ ભટકતી રહી હતી અને બીમારીએ તેને વધુ દ્યેરી લીધી હતી. જોકે, અંતે સુનિતાને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાના પ્રયાસો કરાયા હતા પણ કમનસીબી અને ગરીબીએ આ મહિલાના પ્રાણ હરી લીધા હતા. તેની ત્રણેય દીકરીઓ સખી મંડળને સોંપીને તેમને આશરો મળે એવા પ્રયાસો કરાયા છે. મૃતક સુનિતાનો પતિ હાલ સુરત રહેતો હોય તેને જાણ કરાઇ છે. પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)