Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પોરબંદરમાં દયાનંદ સરસ્વતીનો નિર્વાણ દિનની ઉજવણીઃ યજ્ઞ તથા સત્યાર્થ પ્રકાશનું વિનામુલ્યે વિતરણ

પોરબંદર તા.ર : પોરબંદર તથા વેરાવળ આર્ય સમાજમાં અંધશ્રધ્ધા અને પાખંડ સામે જેહાદ જગાડનાર આર્યસમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૧૩૬માં નિર્વાણદિન ઉજવવાનું તાજેતરમાં આયોજન કરાયેલ હતુ.

મહર્ષિ શ્રી દયાનંદ સરસ્વતીના નિર્વાણ દિન ઉજવવાનુ આયોજન કરાયુ હતુ. મહર્ષિ દયાનંદ સરસ્વતી માર્ગ આર્ય સમાજ પોરબંદર ખાતે ઋષિ દયાનંદ સરસ્વતીના ૧૩૬માં નિર્વાણદિન ઉજવણી સંદર્ભે મોરબીના ટંકારાની મહાવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય ઉપદેશક અને મુખ્ય વકતા આચાર્ય રામદેવજીએ ઉપસ્થિત યુવાનો યુવતીઓ અને આર્યસમાજને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, આર્યસમાજના સ્થાપક, વેદના ઉંડા અભ્યાસુ સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ દિવાળીના દિવસે નિર્માણ થયુ હતુ. દયાનંદ સરસ્વતીએ સામાજીક અને ધાર્મિક સુધારણાની મહત્વની કામગીરી કરી હતી. વહેમો, અંધશ્રધ્ધા, બાળવિવાહ, બહુપત્નીત્વ, પડદાપ્રથા, સતીપ્રથા, દહેજ પ્રથા જેવા અનિષ્ટોનો વિરોધ કરી સ્ત્રીશિક્ષણ, આંતરજ્ઞાતીય લગ્નો, વિધવા વિવાહની હિમાયત કરી હતી. કોઇપણ સમાજ કે રાષ્ટ્ર સામાજીમ ધાર્મિક સુધારણા વિના પુનરોત્થાન કરી શકશે નહી.

ડો.વી.આર.ગોઢાણીયા બીએડ કોલેજના ડો.ઇશ્વરભાઇ ભરડાએ જણાવ્યુ હતુ કે વૈદિક ધર્મ અને સંસ્કૃતિની લુપ્ત થયેલ પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરવા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ જીવનભર પ્રયાસો કર્યા. મુંબઇમાં ૧૮૫૭માં આર્યસમાજની સ્થાપના કરી. તેમણે આર્ય સમાજને સામાજીક ચેતનાના કેન્દ્રો ગણાવ્યા હતા. આર્ય સમાજના પ્રમુખ એચ.કે.મોતી વરસે જણાવ્યુ હતુ કે, મુર્તીપુજા, અવતારવાદ, તીર્થયાત્રા, શ્રાધ્ધ આભડ છેટ જેવી હિન્દુ ધર્મની નબળાઇઓની ટીકા કરી મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારો આજે પણ પ્રસ્તુત છે. શારદીય નવસસ્યેસ્ટી યજ્ઞના યજમાન રાજકોટના અરૂણભાઇ કણસાગરાએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના પુસ્તક સત્યાર્થ પ્રકાશ વાંચીને હિન્દુ ધર્મના વટવૃક્ષનું બીજારોપણ આર્યસમાજમાં થાય છે તેવો ભાવ વ્યકત કર્યો હતો.

આર્ય સમાજના પુરોહિત બ્રહ્માનંદ આઝાદ અને શાસ્ત્રી ધર્મ વીર દ્વારા વેદોકત મંત્રોચ્ચાર દ્વારા શારદીય નવસ્પેષ્ટિ યજ્ઞ અને દિપાવલીપર્વ અંગે વિસ્તૃત જાણકારી આપી ભજનો પ્રસ્તુત કર્યા હતા. યજ્ઞમાં હરનારાયણ સીંઘ, નાથાભાઇ લોઢારી, અરૂણભાઇ કણસાગરા અને ધનજીભાઇ આર્ય દંપતી યજ્ઞમાં આહુતી આપી હતી. બાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઇ બહેનોએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના સત્યાર્થ પ્રકાશ ગ્રંથ વિનામુલ્યે અપાયો હતો.

વેરાવળ આર્યસમાજના પુરોહીત પંડીત મણીલાલની નિશ્રામાં વેરાવળ પાટણ સંયુકત ન.પા. નિર્મિત ડાભોર રોડ ગંગાનગર સ્થિત કોમ્યુનીટી હોલ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો ૧૩૬મો નિર્વાણ દિન ઉજવાયો હતો.

આર્ય સમાજ ખાતે ચાલતા આયુર્વેદિક ઔષધાલયને પંદર વર્ષ પુરા થતા જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર બે હજાર જેટલા દર્દીઓની નજીવા દરે નિઃશુલ્ક સેવા આપનાર છોટાલાલ ગોરધનભાઇ સુરાણીનુ આચાર્ય રામદેવજીના હસ્તે ઉષ્માવસ્ગ અને સ્મૃહિચિહન અર્પણ કરી સન્માનીત કરાયા હતા.

કાર્યક્રમનું સંચાલન પોરબંદર આર્યસમાજના મંત્રી ધનજીભાઇ આર્યએ સંભાળ્યુ હતુ. આભારદર્શન ધર્મવીર શાસ્ત્રીએ કર્યુ હતુ.

વાંસજાળીયાના મહેર સમાજના અગ્રણી હાજાભાઇ પૂર્વ આચાર્ય ભીખુભાઇ ચાવડા, મહેર સમાજના યુવા અગ્રણી માલદેભાઇ ચૌહાણ (સુખદેણ), ડો.છોટુભાઇ સુયાણી, સુરેશભાઇ જુંગી, દિલીપભાઇ જુંગી, કાંતીભાઇ જુંગી, અશોકભાઇ જુંગી સહિતના પ્રબુધ્ધ નાગરીકો તેમજ આર્ય સમાજના ભાઇ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:48 am IST)