Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

ભાવનગરના શક્તિધામ ભંડારિયામાં અષ્ટમીનો હવન : યાત્રાળુઓની ભીડ જામશે

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર:  ભાવનગર નજીકના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયામાં આસો સુદ આઠમને સોમવારે પરંપરાગત રીતે અષ્ટમીનો હવન અને મધરાતે માતાજીનો સ્વાંગ શોભશે. આ પ્રસંગે હજજારો યાત્રિકો ઉમટી પડશે. બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ સંદર્ભે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
ભંડારિયામાં ઉજવાતા નોરતા તેની પ્રાચિન પ્રણાલિકા અને પરંપરાથી વિખ્યાત છે. અહીં બહુચરાજી માતાના સાનિધ્યમાં ભક્તિ, ભૂંગળ અને ભવાઈનો ત્રિવેણી સંગમ રચાયો છે.અને માતાજીની ભક્તિમાં સૌ લીન થયા છે. રાજકીય, સામાજીક આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, અધિકારી અને પદાધિકારીઓ સહિતના સમાજના અગ્રગણય લોકો તથા યાત્રિકો,ભાવિકો નવરાત્રિ ઉત્સવમાં સામેલ થઈ ધન્યતા અનુભવી રહયા છે.
દરમિયાન તા.3ને સોમવારે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી અષ્ટમીનો હવન અને મધરાતે માતાજીનો સ્વાંગ શોભશે અને જય જય કાર સાથે માતાજી માણેક ચોકમાં પધારશે. શક્તિધામ ભંડારિયામાં આઠમના દિનનું વિશેષ મહત્વ રહેલું છે .આ પ્રસંગે હજ્જારો યાત્રિકો ઉમટી પડે છે. બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ યાત્રિકો માટે મહાપ્રસાદ સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે.

(7:01 pm IST)